ગુજરાતી વેપારીના રૂ. ત્રણ કરોડના હીરા પચાવી પાડ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મિત્રને ગોંધી રાખી રૂ. ૮૦ લાખની ખંડણી માગી: સુરતના ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સુરતના ગુજરાતી વેપારી દુબઇ ખાતેની ઓફિસમાં મોકલવા માટે આપેલા રૂ. ત્રણ કરોડની કિંમતના હીરા પચાવી પાડવા તેમ જ તેના મિત્રને ગોંધી રાખીને રૂ. ૮૦ લાખની ખંડણી માગવાના આરોપસર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે સુરતના ત્રણ જણની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય જણ પાસેથી તમામ હીરા હસ્તગત કરવામાં આવ્યા હોઇ પોલીસ હવે ત્રણેયની મહિલા સાથીદારની શોધ ચલાવી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ના અધિકારીઓએ મીરા રોડના કાશીમીરાથી ઝડપી પાડેલા ત્રણ જણની ઓળખ વિજય હિંમતલાલ હિરપ્રા (૨૫), રવિ અરવિંદભાઇ ઘોઘારી (૩૩) અને કિસન પુરુષોત્તમ શિરોયા (૨૦) તરીકે થઇ હતી. ત્રણેયના વકીલ તરીકે અજય ઉમાપતિ દુબે કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ પણ કરી હતી. બાદમાં કોર્ટે ત્રણેય જણને ૨૮ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
સુરતમાં વરાછા ખાતેની શિવદર્શન સોસાયટીમાં રહેનારા વેપારી જયરામભાઇ અંકોલિયા (૩૯)એ રૂ. ૩.૦૫ કરોડની કિંમતના હીરા દુબઇની ઓફિસમાં મોકલાવ માટે સોમવારે વહેલી સવારે સહાર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિજય હિરપ્રાને આપ્યા હતા. જોકે વિજયે તેના સાથીદાર રવિ ઘોઘારી, કિસન શિરોયા અને અનિતા સાથે સાઠગાંઠ કરીને હીરા કથિત રીતે પચાવી પાડ્યા હતા. ઉપરાંત કસ્ટમ્સ ઓફિસરનો ડર દેખાડીને અને તેના મિત્ર શિવલાલ રાજાણીને કાશીમીરાની હોટેલમાં ગોંધી રાખી રૂ. ૮૦ લાખની ખંડણી માગી હતી. ખંડણીની રકમ ન આપે તો મિત્રને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.
વેપારીએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે કાશીમીરાની હોટેલમાં છાપો માર્યો હતો અને ત્રણેય જણને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી તમામ હીરા હસ્તગત કરાયા હતા. એ સિવાય તેમની પાસેથી મોબાઇલ, પેનકાર્ડ, રોકડ, પાસપોર્ટ, ડેબિટ કાર્ડ, વિમાનની ટિકિટ પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં સુરતની રહેવાસી એવી અનિતાની હવે શોધ ચલાવવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.