
ગાંધીનગર: નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સા સમયાંતરે સામે આવે છે. સમાજમાં પુત્રની લાલસામાં હજુ પણ નવજાત બાળકીઓને ત્યજી દેવાના અથવા ભ્રૂણહત્યા કરે છે, ત્યારે ગુજરાતમાં શિશુ મૃત્યુદર(IMR)ના આંકડા દર્શાવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓમાં ટકી રહેવાની ક્ષમતા (resilience) વધુ છે.
સૂત્રો મુજબ રાજ્યમાં જન્મેલા 6.25 લાખ છોકરાઓ પૈકી 6284 વિવિધ આરોગ્યની સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5.77 લાખ છોકરીઓમાંથી 4692નું મૃત્યુ થયું હતું. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) ગુજરાતનો IMR 1000 જીવંત જન્મ દીઠ 20 શિશુ મૃત્યુ દર્શાવતો હતો, જ્યારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) માત્ર 10 મૃત્યુ થયા છે. રાજ્યની TeCHO+ એપ 1000 જીવંત જન્મ દીઠ માત્ર નવનો આંકડો રજૂ કરે છે.
ગુજરાતે તેના શિશુ મૃત્યુદરમાં સતત ઘટાડો કર્યો છે. આ દર 2005માં 54 હતો, તે 2023માં ઘટીને 20 થયો હતો. તેમ છતાં તે કેરળમાં 5, દિલ્હી તથા મહારાષ્ટ્રમાં 14-14 કરતાં વધારે છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, ડેટાના વિશ્લેષણ મુજબ જન્મ સમયે બાળકનું ઓછું વજન એક મોટી ચિંતા છે. એક કિલો કે તેથી ઓછા વજન સાથે જન્મેલા બાળકોમાંથી લગભગ 66 ટકા મૃત્યુ પામ્યા હતા.
જન્મના પ્રથમ સાત દિવસમાં 35 ટકા મૃત્યુનું કારણ પ્રીમેચ્યોરિટચી અને ઓછું જન્મ વજન હતું, ત્યારબાદ સેપ્સિસ (12-15 ટકા), જન્મ એસ્ફીક્સિયા (8-10 ટકા), અને જન્મજાત ખામીઓ (4-6 ટકા) હતી. 7 થી 30 દિવસની વયના શિશુઓમાં 25-30 ટકા મૃત્યુ માટે ન્યુમોનિયા જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરી વિસ્તારોમાં પ્રારંભિક નવજાત મૃત્યુ (early neonatal deaths) વધુ જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ જીવિત રહેવાનો દર મજબૂત હતો, જેનું કારણ ઉચ્ચ સંસ્થાકીય પ્રસૂતિઓને આપવામાં આવ્યું હતું. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પ્રસૂતિ દરમિયાન અને પોસ્ટનેટલ કેર (જન્મ પછીની સંભાળ)માં રહેલી ખામીઓને કારણે વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોષણની ઉણપ અને ચેપનો ઊંચો દર જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, IMR એ બહુ-પરિમાણીય મુદ્દો છે અને બાળકના સ્વસ્થ જન્મ વજન અને યોગ્ય પોષણની ખાતરી કરવા માટે સગર્ભા સ્ત્રીથી જ સંભાળ લેવી આવશ્યક છે. જન્મ પછીની સંભાળ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
- શિશુ મૃત્યુમાંથી 50 ટકા જન્મના એક અઠવાડિયામાં થયા હતા અને 25 ટકા પ્રથમ મહિનામાં થયા હતા.
- જે બાળકોનું વજન જન્મ સમયે એક કિલોથી ઓછું હતું તે પૈકી 66 ટકા શિશુ મૃત્યુ પામ્યા હતા.
- 71 ટકાશિશુ મૃત્યુ ઘરે થયેલી ડિલિવરી દરમિયાન નોંધાયા હતા.
- 35 ટકા કેસો પ્રીમેચ્યોર બર્થ અને ઓછા જન્મ વજનને કારણે નોંધાયા હતા.
- પ્રથમ 30 દિવસમાં 25 ટકા કેસોમાં ન્યુમોનિયાની હાજરી નોંધાઈ હતી.



