ગુજરાતમાં 23મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 100 ટકા શાળા પ્રવેશ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 23મી કડી આગામી 26 થી 28 જૂન, 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે ઉજવાશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં આ પ્રવેશોત્સવમાં સહભાગી થનારા મંત્રીઓ, પદાધિકારીઓ અને IAS, IPS, IFS સહિત વર્ગ-1ના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2002-03માં શરૂ થયેલા આ મહોત્સવના 22 વર્ષની સફળતાની નોંધ લીધી હતી. મુખ્ય પ્રધાને ટીમવર્ક અને અગાઉના અનુભવોના આધારે વધુ પરિણામલક્ષી કાર્ય કરવાની હાકલ કરી હતી.
25.75 લાખ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશનું આયોજન
આ વર્ષે રાજ્યભરની 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 5134 ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 31,824 સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. શિક્ષણ વિભાગે કુલ 25.75 લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન કર્યું છે, જેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 8.75 લાખ, ધોરણ 8 માંથી 9 માં પ્રવેશની પાત્રતા વાળા 10.50 લાખ અને ધોરણ 10 થી 11 માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય 6.50 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાને સરકારી શાળાઓમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કન્યાઓને ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવવા માટે નમો લક્ષ્મી યોજના અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે રુચિ કેળવવા માટે નમો સરસ્વતી યોજના ના લાભોથી SMC સભ્યો અને બાળકોને માહિતગાર કરવા પણ તાકીદ કરી હતી.
ડ્રોપ આઉટ પર ખાસ ધ્યાન રખાશે
શિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, આ વર્ષના પ્રવેશોત્સવમાં ધોરણ 8 માંથી 9 માં અને 10 માંથી 11 માં ધોરણના પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. AI આધારિત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી બનાવીને તેમના પર ખાસ ધ્યાન અપાશે. તેમણે “પરીક્ષા નહીં સમીક્ષા અને પ્રેઝન્ટેશન નહીં પરફોર્મન્સ”ના અભિગમ સાથે માધ્યમિક શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ કરાયો હોવાનું ઉમેર્યું હતું.
મુખ્ય સચિવ પંકજ જોષીએ આ કાર્યક્રમને શિક્ષણ વિભાગ પૂરતો મર્યાદિત ન રાખતા તમામ વિભાગોને જોડતો “મિશન મોડ” નો ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે સામાજિક ઓડિટ માટે SMC સાથેની બેઠકો દ્વારા પ્રતિભાવ મેળવવાની હિમાયત કરી હતી. શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશકુમારે પ્રવેશોત્સવના આયોજનની વિસ્તૃત ભૂમિકા રજૂ કરી હતી.
આપણ વાંચો : સકારાત્મક સમાચાર લોકો સુધી પહોંચાડવા અંગે ભૂપેન્દ્ર પટેલ કરી મહત્ત્વની ટકોર…