Homeદેશ વિદેશગુજરાતને નર્મદાનું વધુ પાણી મળશે

ગુજરાતને નર્મદાનું વધુ પાણી મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગરમીની શરૂઆતમાં અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની પોકારો ઊઠવા લાગી છે. નર્મદા ડેમની ઊંચાઇ વધાર્યા બાદ રાજ્યને પહેલીવાર આ વર્ષે ૧૧.૭ એમએએફ પાણી આપવાનો નિર્ણય કરાયો હતો. નર્મદા ક્ધટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળા સુધી પાણી મળવાની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદા ડેમમાંથી અત્યાર સુધી ગુજરાતના ભાગે નવ મિલ્યન એકર ફીટ (એમએએફ ) પાણી આવતું હતું તેના બદલે આ વર્ષે ૧૧.૭ એમએએફ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે ગુજરાતને આ વખતે ચોમાસા સુધી પાણીની કોઇ તકલીફ નહીં પડે. નમદા ડેમની ઊંચાઈ વધારાયા બાદ ગુજરાતને પ્રથમ વખત આટલી મોટી જળરાશિ મળવા જઈ રહી છે. સરકાર ૮૦ ડેમ, ૧૫૦ તળાવ, ૯૦૦થી વધુ ચેકડેમ નર્મદાના પાણીથી ભરી શકશે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળના ચેકડેમ, તળાવ નર્મદાના નીરથી ભરાશે. ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છને ઉનાળામાં પાણી વગર ટળવળવું નહીં પડે. સિંચાઇ માટેના પાણીની સમસ્યા પણ નહીં ઉદ્ભવે. આ વધારાનું પાણી મળતાં ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થઇ શકે છે.
દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસ પહેલા ભોરોલ ડિસ્ટ્રિબ્યૂટરમાં નર્મદા વિભાગ દ્વારા વધુ પડતું કેનાલોમાં પાણી છોડતા મોટું ભંગાળ સર્જાયું હતું. ત્યારે વધુ એકવાર થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણી છોડતા પહેલા અધૂરી સાફ-સફાઈ અને કેનાલની હલકી ગુણવત્તાના કારણે કેનાલ
ઉભરાતા ૧૦ ફૂટનું ગાબડું પડ્યું હતું. જેથી આજુબાજુનાં ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થતા સહાયની માગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવા અને સ્થાનિકોને પીવા માટે પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલો બનાવવામાં આવી છે. પણ જ્યારથી આ કેનાલો બનાવામાં આવી છે ત્યારથી પાણી છોડતા જ કેનાલો તૂટી રહી છે. બે દિવસ અગાઉ ભોરોલ ડિસ્ટ્રિબ્યૂટરમાં નર્મદા વિભાગ દ્વારા વધુ પડતું કેનાલોમાં પાણી છોડતા મોટું ભંગાળ સર્જાયું હતું. જેમાં ખેડૂતોને ઊભા પાકમાં પાણી ફરી વળતા મોટો નુકસાનીનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર બુધવારે થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડ્યું હતું. કેનાલમાં અધૂરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને વારંવાર કેનાલો તૂટી રહી છે. કેનાલમાં ગાબડું પડતા આજુબાજુ વાવેતર કરેલા રાયડા, જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. જેથી ખેડૂતોને પાંચ એકર જેટલા પાકમાં કાપણીના સમયે પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલનું કામકાજ શરૂ ન કરવામાં આવતા કેનાલ રિપેર કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે. ત્યારે આ બાબતે કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવે તેવી અમારી માગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular