ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ, ત્યારે બીજી તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમી

આપણું ગુજરાત

રાજ્યમાં હાલ વિવિધ પ્રદેશમાં અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં લોકો કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થઇ ગયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડીગ્રી સેલ્સિયસને પાર જવાની આગાહી કરી છે. વરસાદ ખેંચાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન વધી રહ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગ, સુરત, જૂનાગઢ, અમરેલી, વલસાડ, પોરબંદરમાં પણ સારો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના તાલુકાઓ હજુ મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા બફારો વધ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય એવી આગાહી કરી છે.
નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સીઝનનો 7.89 ટકા વરસાદ વરસ્ચો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં સીઝનનો 6.56 ટકા વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયો છે. કચ્છમાં સીઝનનો 3.33 ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો 3.77 ટકા વરસાદ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સીઝનનો 4.67 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં સીઝનનો માત્ર 6.5 ટકા જ વરસાદ નોંધાયો છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.