ગુજરાત બનશે સેમી કન્ડક્ટર હબ: ચીપ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંત ગૃપ વચ્ચે 1.54 લાખ કરોડના કરાર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: થોડા સમય પહેલા ગુજરાત સરકારે જાહેર કરેલી સેમી કન્ડક્ટર પોલિસીને સાર્થક કરતા ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે 1 લાખ 54 હજાર કરોડના રોકાણ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. તાઇવાનની ફોક્સકોન અને ભારતના વેદાંતા ગ્રુપ સાથે મળીને ગુજરાતમાં ચીપનું નિર્માણ કરશે. આ કરાર મુજબ રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર મળશે. સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ દેશમાં થયેલું આ સૌથી મોટું રોકાણ છે. વડપ્રધાન મોદીએ કહ્યું આ એમઓયુ ભારતની સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વેગ આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બંને કંપની વચ્ચે કરાર પર સહી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે પહેલ કરી છે. ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગોને હંમેશા સહકાર આપશે.

“>

વેદાન્તા ગ્રુપના ચેરમેન અનીલ અગ્રવાલે ખુસી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘આજે ઈતિહાસ રચાયો છે! વેદાંત-ફોક્સકોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે તેવી જાહેરાત કરતાં આનંદ થાય છે. રૂ.1.54 લાખ કરોડનું સીમાચિહ્નરૂપ રોકાણ ભારતની આત્મનિર્ભર સિલિકોન વેલી સ્થાપવામાં મદદ કરશે.’
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને ફોક્સકોન ગ્રુપના બ્રેઈન હો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગુજરાતના સાયન્સ ટેક્નોલોજી પ્રધાન જિતુ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં વિશ્વભરમાં ચીપની અછતને કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓમાં ઉત્પાદમાં ઘટાડો થયો હતો. હવે ગુજરાતમાં સેમી કન્ડક્ટરના ઉત્પાદનને સાથે ભારત આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું આગળ વધશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.