થોડા દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી દાટી દેવામાં આવેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જમીનમાં તેના પગ હાલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ જીઇબીના કર્મચારીઓ ખેતરમાં પહોંચ્યા હતા અને બાળકીને બહાર કાઢી સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની હિંમત નગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ આજે છ દિવસ બાદ વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીનું મૃત્યુ થતાં સિવિલના કર્મચારીઓ પણ દુઃખમાં ગરકાવ થઇ ગયા છે.
બાળકી સમય પહેલાં લગભગ સાત મહિનામાં પેદા થઇ હતી તેથી તેનું વજન ફક્ત 1 કિલો હતું. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી દફન રહી હતી. સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. પરંતુ ત્યારબાદ નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો હતો. તે વેન્ટીલેટર પર હતી. જોકે, આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.
નોંધનીય છે કે પોલીસ અધિકારીઓએ બાળકીને જીવતી જમીનમાં દાટી દેનાર માતા-પિતાને પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન માતાએ સ્વીકાર્યું હતું કે તેણે જ બાળકીને ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું નક્કી કર્યું હતું.

Google search engine