ગુજરાત રમખાણ, બાબરી કેસ બંધ કરતી સુપ્રીમ કોર્ટ

દેશ વિદેશ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ત્રણ મહત્ત્વના કેસ- ગુજરાતમાં ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણ, બાબરી મસ્જિદનું કહેવાતું વિવાદાસ્પદ માળખું તોડવા સંબંધે અનેક રાષ્ટ્રીય નેતાઓ સામે શરૂ થયેલા અદાલતના તિરસ્કારના કેસ અને ૨૦૦૯માં વકીલ પ્રશાંત ભૂષણ સામેના અદાલતના તિરસ્કારના કેસને બંધ કરવાનો નિર્ણય મંગળવારે લીધો હતો. સુપ્રીમ કોર્ટની જુદી જુદી બૅન્ચે સુનાવણી દરમિયાન ૯ કેસમાંથી ૮ કેસ તથા અન્ય ત્રણેક અરજીઓની કાર્યવાહી પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો હતો. એકંદરે તથા રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ અને ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની સંસ્થા સિટિઝન્સ ફોર જસ્ટિસની રમખાણોની અદાલતની નિગરાણીમાં તપાસ સહિત વિવિધ રાહતો માગતી અરજીઓ મળીને ૧૧ અરજીઓની કાર્યવાહી બંધ કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એસઆઈટીની તપાસ પૂર્ણ થઈ છે અને ૯ કેસમાંથી ૮ કેસોમાં ચુકાદા આવ્યા છે. એ સંજોગોમાં હવે ફેરતપાસની અરજીઓ નિરર્થક છે.
વર્ષ ૨૦૦૨માં ગુજરાતનાં કથિત રમખાણો સાથે સંબંધિત તમામ કેસ બંધ કર્યા છે. એ રમખાણોને સંબંધિત ૯ કેસમાંથી ૮ કેસમાં નિર્ણય આવી ચૂક્યો છે અને નરોડા ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. આ સ્થિતિમાં એ પ્રકરણના કેસોની સુનાવણીની જરૂર નહીં હોવાનું કોર્ટે જણાવ્યું હતું. લાંબો સમય વીતી ગયો હોવાથી સુનાવણી નિરર્થક હોવાનું ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બૅન્ચે જણાવ્યું હતું. વર્ષ ૨૦૦૨માં રમખાણોની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણોના કેસમાં ‘નિર્દોષ વ્યક્તિઓ’ને સંડોવવાના માટે ખોટા પુરાવા ઊભા કરવાના કેસમાં ગયા જૂન મહિનામાં ધરપકડ કરાયેલાં ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની જામીન માટેની અરજીની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરવામાં આવશે. તીસ્તાની જામીન માટેની અરજીના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતે ગઈ બાવીસમી ઑગસ્ટે ગુજરાત સરકાર પાસે પ્રતિસાદનું નિવેદન માગ્યું હતું. ગુજરાત સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તીસ્તાની જામીન અરજી બાબતે રાજ્ય સરકારના કોર્ટે તીસ્તા સેતલવાડની સંરક્ષણ ફરી ઉપલબ્ધ કરાવવાની માગણી કરતી અરજીઓ બાબતે સુપ્રીમ કોર્ટે સંબંધિત સત્તાતંત્રને અરજી કરવાની અરજદારને છૂટ આપી હતી. આવી અરજીઓ પર કાનૂની જોગવાઈઓ અનુસાર કાર્યવાહીનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તીસ્તાની ધરપકડનો ઉલ્લેખ કર્યો ત્યારે તીસ્તાના વકીલે જણાવ્યું હતું કે તેઓ તેમનો નિર્દેશ મેળવીને ઉચિત કાર્યવાહી હાથ ધરી શકે છે.
એસઆઈટીના વકીલ સિનિયર એડ્વૉકેટ મુકુલ રોહતગીએ બૅન્ચને જણાવ્યું હતું કે નવ કેસોમાંથી ફક્ત નરોડા ગામ કેસમાં સુનાવણી પૂરી થઈ નથી. જોકે, એ કેસની સુનાવણી આખરી દલીલોના તબક્કામાં છે. અન્ય કેસોમાં ટ્રાયલ પૂરી થતાં કેસ હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલના તબક્કા પર છે. નવ કેસોની તપાસ અને કાર્યવાહી માટેની એસઆઈટીના નિવેદનને અરજદારોના વકીલો અપર્ણા ભટ, એજાઝ મકબુલ અને અમિત શર્માએ સ્વીકાર્યું હોવાની બૅન્ચે નોંધ લીધી હતી. બૅન્ચે નરોડા ગામ કેસને કાનૂની રાહે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બાબરી મસ્જિદ કેસ
બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ કથિત માળખું તોડવાની ઘટના બાબતે શરૂ કરાયેલી અદાલતના તિરસ્કારની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે અદાલતના તિરસ્કારની અરજી પહેલાં સૂચિબદ્ધ થવી જોઇતી હતી. અયોધ્યા ભૂમિ વિવાદ પર નિર્ણય લેનારી સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૯ની ૯ નવેમ્બરના ચુકાદા સાથે આ મુદ્દો ટકી શકે એમ નહીં હોવાનું જણાવતાં ક્ધટેમ્પ્ટ ઑફ કોર્ટ પ્રોસીડિંગ્સ પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજીસની બૅન્ચે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં હવે કંઈ બચ્યું નથી. ભાજપના સ્વર્ગસ્થ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહને એક દિવસની કેદની સજા કરાઈ હતી. વર્ષ ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે કારસેવકોએ બાબરી મસ્જિદના કથિત માળખાને ધરાશાયી કર્યા બાદ કલ્યાણસિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું હતું. તેના બીજા દિવસે સાતમી ડિસેમ્બરે કેન્દ્રની નરસિંહ રાવ સરકારે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારને બરખાસ્ત કરી હતી.
ગોધરાકાંડ
વર્ષ ૨૦૦૨ની ૨૭ ડિસેમ્બરના ગોધરાકાંડ (કારસેવકોથી ભરેલા સાબરમતી એક્સપ્રેસને બાળવાની ઘટના) પછી ગુજરાતનાં કોમી રમખાણોમાં બન્ને કોમોના મળીને ૧૦૦૦ લોકો (બિનસત્તાવાર આંકડો ૨૦૦૦ જેટલો) માર્યા ગયા હતા. તોફાનોની હિંસક ઘટનાઓમાંથી એક કેસમાં ૨૮ ફેબ્રુઆરીએ અમદાવાદના ચમનપુરા ખાતે લઘુમતી સમુદાયની ગુલબર્ગા સોસાયટીમાં પથ્થરમારા તથા આગ લગાડવા સહિતની હિંસામાં કૉંગ્રેસના માજી સંસદસભ્ય અહેસાન જાફરી સહિત ૬૯ જણ માર્યા ગયા હતા. એ ૬૯માંથી ૩૮ મૃતદેહો મળ્યા હતા અને અહેસાન જાફરી સહિત ૩૧ જણને ગૂમ થયેલા દર્શાવાયા હતા. વર્ષ ૨૦૦૨ના ગુજરાતનાં કહેવાતાં રમખાણોની આવી ઘટનાઓની તપાસ માટે વર્ષ ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી. એ કેસમાં અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીની ફરિયાદની તપાસ પણ એસઆઈટીને સોંપાઈ હતી. એસઆઈટીએ ગુજરાતનાં રમખાણો બાબતે એ વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી. વર્ષ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે એસઆઈટીના મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ અપાયો હતો. વર્ષ ૨૦૧૩માં ક્લોઝર રિપોર્ટનો વિરોધ અને નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવાના નિર્ણયને પડકારતી ઝાકિયા જાફરીની અરજી મેજિસ્ટ્રેટે નામંજૂર કરી હતી. મેજિસ્ટ્રેટના નિર્ણયને ઝાકિયા જાફરીએ ગુજરાત હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. હાઈ કોર્ટના એ નિર્ણયને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. એ પડકાર અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતનાં કથિત રમખાણો અને બાબરી ધ્વંસને સંબંધિત તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મોદીને એસઆઈટીની ક્લીન ચિટને પડકારતી અપીલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઝાકિયા જાફરીની એ અપીલમાં મેરિટ નથી.
પ્રશાંત ભૂષણ કેસ
પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માગી હોવાનું સિનિયર એડ્વૉકેટ કપિલ સિબલે જણાવ્યા પછી જસ્ટિસ ઇન્દિરા બેનરજી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બૅન્ચે આ કેસની કાર્યવાહી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વર્ષ ૨૦૦૯માં તરુણ તેજપાલના તંત્રીપદ હેઠળના પ્રકાશન ‘તહેલકા’ને આપેલા ઇન્ટરવ્યુમાં દેશના ૧૬ ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓને ભ્રષ્ટાચારી ગણાવવા બદલ પ્રશાંત ભૂષણ સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. (એજન્સી)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.