વિકાસ મોડલ ગણાતા ગુજરાત રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની ક્ષોભજનક સ્થિતિ છે. સોમવારે લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ ડેટામાં બહાર આવ્યું કે પ્રાથમિક શિક્ષણ ન લઇ રહેલા અથવા અભ્યાસ દરમિયાન જ શાળા છોડી દીધી હોય એવા બાળકો(out of school children)ની સંખ્યાની બાબતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. જયારે પહેલા નંબરે ઉત્તર પ્રદેશ અને બીજા નંબરે બિહાર છે.
લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ‘પ્રબંધ ઓનલાઈન પોર્ટલ’ મુજબ, દેશમાં 9,30,531 બાળકો એવા છે જે પ્રાથમિક શિક્ષણથી વંચિત છે.
Out of school children(OoSC)ની સંખ્યા યુપીમાં સૌથી વધુ 3,96,665 છે, બિહાર 1,34,252ની સંખ્યા સાથે બીજા ક્રમે છે. ગુજરાત 1,06,885 બાળકો સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાતના કુલ 1,06,885 OoSC બાળકો માંથી 62,125 છોકરીઓ છે જયારે 44,751 છોકરાઓ છે ત્યારે 9 બાળકો ટ્રાન્સજેન્ડર છે.
કેન્દ્ર સરકારની સમગ્ર શિક્ષા યોજના હેઠળ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) એ OoSC ની ઓળખ માટે ઘરે-ઘરે સર્વેક્ષણ કરવામાં આવે છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઓળખવામાં આવેલા OoSCનો ડેટા સંકલિત કરવા માટે પ્રબંધ ઑનલાઇન પોર્ટલ મોડ્યુલ વિકસાવ્યું છે.
સોમવારે લોકસભામાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ સ્તરે ડ્રોપઆઉટ દર 17.85% છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 12.61% છે.