ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં મોત થયા છે. જે દેશભરમાં સૌથી વધારે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણો આરોપીઓના મોત મૃત્યુ પાછળ જવાબદાર માનવામાં આવે છે. આ વિગતો આપતા અને ભાજપની સરકાર પર પ્રહારો કરતા કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.