પીએમઓ (PMO) અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા મહઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે પોતાના સંબંધીને ત્યાં જંબુસર હતી ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના પતિ એવા મહાઠગ કિરણ પટેલને 31મી માર્ચે ટાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે. કિરણ પટેલ પર અન્ય પણ ઘણા ગુના નોંધાયેલા છે અને આ આખા કિસ્સાને લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે માલિની પટેલ ફરિયાદ થતાં જ ફરાર થઈ ગઈ હતી. બંગલા પર કબ્જાની ફરિયાદના પગલે જંબુસરથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ સાથે માલિની પટેલ સામેલ છે. જમ્મુમાં પણ તે બંને સાથે ગયા હતા. બધી જ જગ્યાએ બંને સાથે રહેતા હતા. જ્યારે ફરિયાદ નોંધાઇ ત્યારે નડિયાદ ત્યારબાદ જંબુસર ગઈ હતી. 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં કાર બરોબાર વેચી દેવાના કેસમાં માલિની સામે ફરિયાદ થઈ હતી. માલિનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે 31 માર્ચ બાદ અમદાવાદ લાવવામાં આવશે.
કાશ્મીરમાં પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા પીએમઓના અધિકારીની ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે ભૂતપૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે. કિરણ પટેલના કેસમાં તેમના સાથી અમિત પંડ્યાના પિતા અને ગુજરાત સરકારના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનું નામ પણ ધસડાયું હતું. હિતેષ પંડ્યાએ આ વિવાદ સર્જાયા બાદ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણ અને નોકરશાહી વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો હતો.