ઘણા સરકારી અધિકારીઓ સંગીત, ચિત્રકલા અને લેખનના શોખિન હોય છે. આઈએએસ થયેલા અધિકારીઓ પોતાના ગમે તેટલા વ્યસ્ત કામમાંથી સમય કાઢી પોતાના શોખ પૂરા કરી લેતા હોય છે. ગુજરાતના નાણાં વિભાગના સેક્રેટરી જે.પી. ગુપ્તાએ પણ આવું જ કંઈક કરી નાખ્યું. ગુજરાતનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે આથી ગુપ્તાસાહેબ કેટલા વ્યસ્ત હશે તે કહેવાની જરૂર નથી, પણ તેમણે દિવસ-રાત આંકડાની જાળ બનાવવાની સાથે સાથે એક લેખ લખી નાખ્યો છે અને આ લેખ છે ગુજરાતી સાહિત્યજગતના ઝળહળતા સાહિત્યકાર મોહંમદ માંકડ પર.
મોહંમદ માંકડે થોડા સમય પહેલા જ આપણા વચ્ચેથી વિદાય લીધી. હવે આ લેખ ગુજરાતી સાહિત્ય અકાદમીના જર્નલમાં પ્રસિદ્ધ થવાનો છે. ગુપ્તા માંકડના ખૂબ મોટા પ્રસંશક છે. આ સાથે તેમણે ગુજરાતનું ખૂબ જ વ્યાપક ભ્રમણ અને અવલોકન કર્યું છે અને તેઓ સારી ગુજરાતી ભાષા પણ જાણે છે.