ગુજરાતમાં હત્યાકાંડની સદી, પણ નામ સાંભળ્યું છે?

ઇન્ટરવલ

ગુજરાતનો જલિયાવાલા કાંડન-પ્રફુલ શાહ
જલિયાંવાલાકાંડ. આ શબ્દ સાંભળતાં કે વાંચતાવેંત આંખમાં લોહી ધસી આવે, મુઠ્ઠી ભિડાઈ જાય, ગુસ્સો-હતાશા-વેરાગ્નિની ભાવના મન પર કબજો કરી લે. ક્યારેય ન જોયેલા સેંકડો શીખ ભાઈ-બહેન-બચ્ચાં-વૃદ્ધોની કારમી ચીસ સંભળાય. લોહી દેખાય, જીવ બચાવવા કૂવામાં પડતા લાચાર માણસો દેખાય. કાલ્પનિક બ્રિગેડિયર જનરલ ડાયર નજર સામે આવે, જેના આદેશ પર ૩૭૯થી લઈને ૧૫૦૦થી વધુ લાચારો માર્યા ગયાની ઘટના કમકમાટી ઉપજાવે. રોલેટ એક્ટ અને કેટલાક સ્વાતંત્ર્ય સૈનિકોનો વિરોધ કરવા માટે જલિયાંવાલા બાગમાં શાંતિથી વિરોધ કરવા ભેગા થયેલાને બેરહમીથી માર્યા ગયા. આ ઘટનાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોશ-રોષ ભરી દીધા. દાયકાઓ બાદ બ્રિટિશ સરકારે આ ઘટના બદલ ‘ખેદ’ વ્યક્ત કર્યો પણ આપણે હજી ઈચ્છીએ છીએ કે માફી માગવામાં આવે. એ હત્યાકાંડની ઘટનાની તારીખ ૧૯૧૯ની તેરમી એપ્રિલ. આ ઘટનાના ઘણાં આંકડા, વ્યક્તિત્વ અને વિગતો આપણને યાદ છે.
અચ્છા, દ્રઢવાવ શબ્દથી કંઈ સાંભરે છે? મોટાભાગના મૌન રહેશે. જૂના ઇડર રાજ્ય અને હાલના ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું ગામ છે આ. ઘણાં એને દ્રઢવાવ પણ કહે છે. એક સમયના મેવાડ રાજ્ય અને હાલના રાજસ્થાન રાજ્યની સરહદ નજીક આવેલું ગામ છે આ. જલિયાંવાલા બાગ હત્યાકાંડના ત્રણ વર્ષ બાદ દ્રઢવાવમાં ભયંકર-અકલ્પ્ય હત્યાકાંડ થયો હતો, જેની આગેવાની પણ એક અંગ્રેજ અફસરે લીધી હતી. આ કરુણાંતિકામાં જલિયાંવાલા બાગથી વધુ બેગુનાહની કત્લેઆમ થઈ હતી, પરંતુ અંગ્રેજો, ઇતિહાસકારો અને આપણે સૌએ એને સાવ ભૂલાવી દીધી. ૧૯૨૨ની સાતમી માર્ચે થયેલા નૃશંસ હત્યાકાંડ માટે ન દેખાવો થયા, ન વિરોધ થયો કે ન ખેદ વ્યક્ત કરાયો. એને અતીતના સમય પટલ પરથી સદંતર ભૂંસી દેવાયો. આમ કરવા પાછળ બ્રિટિશરોના બદઈરાદા સમજવા મુશ્કેલ નથી. પરંતુ પ્રજા, સમાજ, ઇતિહાસવિદો અને શિક્ષણકારો કેમ બધું ભૂલીને ચૂપ રહ્યા?
ઇતિહાસમાં ખૂબ ઊંડે ઊતરીને ખાંખાંખોળા કરવાથી વિગતો મળી આવે છે. ક્યાંક આનો ઉલ્લેખ નિમડાકાંડ તરીકે મળે છે. તો અન્યત્ર પાલ-ચિતરિયાકાંડ ગણાવાયો છે. હકીકત એ છે કે આ લોહિયાળ ઘટના દ્રઢવાવના પાડોશી ગામ પાલ કે ચિતરિયામાં નહીં, દ્રઢવાવમાં જ બની હતી. આમાં કમોતે મરનારા બધા આદિવાસીઓ હતા. મૃતકોની સંખ્યા હજારોમાં હતી પણ બ્રિટિશરોએ એ છુપાવવામાં મહ્દઅંશે સફળ રહ્યા. વસતિ ગણતરીના એક અંદાજ મુજબ ભારતમાં આદિવાસીઓની વસતિ આઠ ટકાથી વધુ છે. એ જ હિસાબે ગુજરાતમાં નવ ટકાથી વધુ નેે રાજસ્થાનમાં આઠ ટકાથી વધુ આદિવાસીઓ વસે છે. અગાઉ કરતા આદિવાસીઓની સ્થિતિ ઘણી સુધરી છે. ગુજરાતમાં તો હાલ આદિવાસી સમાજના ૨૨ આઈ.પી.એસ. અને ૧૨ આઈ.એ.એસ. છે. આદિવાસીઓના સાક્ષરતા દરમાં ય વધારો થઈ રહ્યો છે. પણ રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા તે હજી ઓછો છે. આદિવાસી સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવી રહ્યાં છે એટલે ભવિષ્યમાં દ્રઢવાવ હત્યાકાંડ પર વધુ ચર્ચા અને સંશોધનની અપેક્ષા રહે છે.
પ્રાપ્ત માહિતી અને હાથ લાગેલા દસ્તાવેજ મુજબ ગુજરાત વિદ્યાપીઠમાં અનુપારંગત એમ.ફિલ.ની પદવી માટે સ્ટેનલી એ. ભણાતે ડૉ. અરવિંદભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શોધ નિબંધ ૧૯૯૮માં રજૂ કર્યો હતો, જેમાં દ્રઢવાવ હત્યાકાંડની તલસ્પર્શી છણાવટ છે. ૨૦૧૮માં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રફુલ્લાનંદ પુરુષોત્તમભાઈ નવાકરે પણ ડૉ. વિજયા યાદવના માર્ગદર્શનમાં પી.એચડી. માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો. જેમાંય સાબરકાંઠાના આદિવાસીઓમાં આવેલા પરિવર્તનમાં દ્રઢવાવ હત્યાકાંડની ઘણી વિગતો છે. આવા સંશોધનકારે ભાવિ પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે.
આ દ્રઢવાવ હત્યાકાંડમાં માર્યા ગયેલા હજારો આદિવાસી અને તેમના નેતા મોતીલાલ તેજાવત વિશે પાડોશી રાજ્ય રાજસ્થાનની પ્રૌઢ શિક્ષણ સમિતિએ લગભગ બત્રીસેક વર્ષ અગાઉ ‘રાજસ્થાન કે સ્વાતંત્ર્ય સેનાની-ક્રાંતિકારી ભીલ નેતા મોતીલાલ તેજાવત’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. ગુજરાત સરકારે શું કર્યું? આ ઘટનાના ૮૧ વર્ષ બાદ એટલે કે ૨૦૦૩માં શહીદોનું સ્મારક બનાવ્યું. પરંતુ દ્રઢવાવને બદલે ઘટનાસ્થળથી દોઢેક કિલોમીટર દૂર આવેલા પાલ ગામમાં આ સ્મારક બનાવવાની ટીકા થઈ હતી. બારસો જણ શહીદ થયાનું માની લઈને તેમની સ્મૃતિમાં ૧૨૦૦ વૃક્ષ પણ રોપવામાં આવ્યાં હતાં. પાલ પ્રાથમિક સ્કૂલમાં સ્મારક પર મોટા અક્ષરમાં ‘શહીદ સ્મારક’ નીચે નોંધાયું છે: ‘આદિવાસી સમાજે બ્રિટિશ સામ્રાજ્યના જુલમ સામે પોતાનો અવાજ ઉઠાવેલો. સાત માર્ચ, ૧૯૨૨ના રોજ આ સ્થળે આદિવાસી સભા પર બ્રિટિશ રેસિડન્સીના સૈનિકોએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવું પાશવી દમન કરી ૧૨૦૦ જેટલા આદિવાસીને ગોળીથી નિર્દયી રીતે રહેંસી નાખ્યા હતા.’
દ્રઢવાવ હત્યાકાંડના મૂળ શું? એ વખતે આદિવાસી અને ભીલોની સામાજિક-આર્થિક સ્થિતિ કેવી હતી? દ્રઢવાવમાં આટલી મોટી મેદની શા માટે અને કેવી રીતે ભેગી થઈ હતી? આ મેદનીના નેતા મોતીલાલ તેજાવત કોણ હતા. તેમણે શા માટે આદિવાસીઓની આગેવાની લીધી? આ મેદની પર ગોળી છોડવાનો આદેશ કોણે અને શા માટે આપ્યો? આ હત્યાકાંડમાં માત્ર બ્રિટિશ ઑફિસર જ પૂરેપૂરો અને એકમાત્ર ખલનાયક હતો? કે બીજા છૂપા સાથીઓ પણ જવાબદાર હતા? આ હત્યાકાંડના પ્રત્યાઘાત કેવા પડ્યા? દોષિતોને સજા થઈ ખરી? આવા અનેક સવાલોના જવાબ એક સદી જૂના સમયકાળમાં લઈ જશે. (ક્રમશ:)

1 thought on “ગુજરાતમાં હત્યાકાંડની સદી, પણ નામ સાંભળ્યું છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.