ગુજરાત મહિલાઓ અને બાળકીઓ માટે સુરક્ષિત હોવાના દાવાઓ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2014 થી 2021 સુધીમાં ગુજરાતમાં પોકસો(POCSO) કાયદા હેઠળ કેસમાં 398.5% નો વધારો થયો છે. આઠ વર્ષ દરમિયાન 14,522 કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર 231 કેસમાં ગુના પુરવાર થઈ શક્યા છે. આમ ગુજરાત રાજ્યમાં પોકસોના કેસમાં સજા દર માત્ર 1.59% જ છે
રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બાળકીઓની સુરક્ષા અંગે ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. લોકસભાના આંકડાઓ રજુ કરતા તેમણે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. તેમણે કહ્યું કે “બેટી બચાઓ બેટી પઢાઓ” ની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ આ દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તે આ આંકડા પુરવાર કરે છે. ગૃહપ્રધાન વાહવાહી લૂંટી શકે છે તો કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિની જવાબદારી પણ તેમની જ છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ અને શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે એવો છે.
લોકસભા માં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાત માં વર્ષ 2014 થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. આઠ વર્ષમાં પોકસો કેસની સંખ્યામાં 398.5% નો વધારો થયો છે. જેમાંથી માત્ર 231 કેસમાં ગુનો પુરવાર થઈ શક્યો છે. ગુજરાત રાજ્યમાં પોકસો કેસમાં સજા દર માત્ર 1.59% છે તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે. વર્ષ 2021 ના અંત સુધી માં 12,649 કેસ પેન્ડિંગ છે.