નવી ચૂંટાયેલી ગુજરાત વિધાનસભાનું આજે પહેલું સત્ર મળવા જઈ રહ્યું છે. આજે ગૃહમાં ચૂંટાયેલા તમામ વિધાનસભ્યોની શપથ લેશે. આવતીકાલે વિધાનસભ્યો વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરશે. ભારે બહુમતીથી જીતેલી ભાજપમાંથી શંકર ચૌધરી અધ્યક્ષ અને જેઠાભાઈ ભરવાડ ઉપાધ્યક્ષ બને એ નક્કી છે. આવતી કાલે ગૃહમાં વિવિધ મુદા પર ચર્ચા થશે. જેમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગૃહમાં ગરમાગરમીનો માહોલ રહે તેવી સંભાવના છે.
શપથ લીધા બાદથી વિધાનસભ્યોના પગાર-ભથ્થા શરુ થતા હોય છે. આજે શપથ લીધા બાદ કાલે મંગળવારથી વિધાનસભ્યોના પગારભથ્થા શરુ થઇ જશે. આજે સૌપ્રથમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સિનિયર વિધાનસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર પદ માટે શપથ લેવડાવશે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર અન્ય વિધાનસભ્યોને શપથ ગ્રહણ કરાવશે. તમામ 182 વિધાનસભ્યો વિધાનસભા ગૃહમાં શપથ લેશે.
વિધાનસભ્યોની શપથ બાદ વિધાનસભ્યો સાથે હોલમાં એક બેઠક મળશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ઋષિકેશ પટેલ અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વિધાનસભ્યો સાથે ચર્ચા કરશે.
આવતી કાલે બીજા દિવસે મંગળવારે સવારે 10 વાગ્યે શત્ર શરૂ થશે. જેમાં ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરાશે. જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ લગભગ નિશ્ચિત છે. ચૂંટણી પ્રક્રિયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહમાં વિધાનસભ્યોને સંબોધન કરશે.
મંગળવારે યોજાનારા એક દિવસીય વિધાનસભા સત્રમાં ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી સુધારા વિધેયક રજૂ કરશે. ત્યારે બીજી તરફ વિપક્ષ મોરબી ઝુલાતા પુલ દુર્ઘટના અંગે ચર્ચા માટેનો પ્રસ્તાવ લાવી શકે છે. પરંતુ આ વખતે વિપક્ષમાં 26 વિધાનસભ્યોનો હોવાથી રસપ્રદ ચર્ચા થવાની શક્યતા ઓછી છે.
આજે ગુજરાત વિધાનસભાનું પહેલું સત્ર યોજાશે, તમામ વિધાનસભ્યો શપથ ગ્રહણ કરશે
RELATED ARTICLES