ગુજરાત હાઈકોર્ટે રાજ્યના તમામ પોલીસ સ્ટાફને એક નવી સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. હાઈ કોર્ટની ઈમેલ માય કેસ સ્ટેટ્સ (ઈએમએસસી) સુવિધામાં નવું પાસું ઉમેરવામા આવ્યું છે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરેલી એફઆઈઆર સબંધિત કેસની જાણકારી પોલીસોને મળી શકશે. કોર્ટના આઈટી સેલ દ્વારા શરૂ કરવામા આવેલી આ નવી સુવિધા માત્ર અરજદાર અને પોલીસ સ્ટેશન માટે છે. રાજ્યના ૭૬૩ પોલીસ સ્ટેશનને ઓટોમેટેડ ઈમેલ્સ મળશે, જેમાં તેમના સ્ટેશનમાં રજિસ્ટર થયેલા ક્રમિનલ કેસના લિસ્ટીંગ, એડજર્નમેન્ટ અને ડિસ્પોઝલ વિશે માહિતી આપશે.
આ સાથે પીડીએફ ફાઈલમાં ચુકાદા અને કોર્ટના નિર્ણય પણ પોલીસ સ્ટેશનને ઈમેલ કરવામાં આવશે. કોર્ટના વહીવટી વિભાગનું માનવાનું છે કે આમ થવાથી પોલીસ દ્વારા જે તે કેસમા પગલાં લેવામાં થતા વિલંબને રોકી શકાશે. કોર્ટે રાજ્ય સરકારના ગૃહ ખાતાને અને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોને પણ સૂચનાઓ આપી છે કે તેઓ પોલીસ સ્ટેશનને નિયમિત ઈમેલ્સ ચેક કરવા જણાવે.