ગુજરાત સરકારે અમદાવાદ શહેરના 81 તળાવો વિકાસ માટે AMCને ફાળવ્યા, જયારે જુના કામો અધૂરા પડ્યા છે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલા તળાવોના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં આવેલા રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવોને લેક ડેવલપમેન્ટ માટે અમદાવાદ મહાનગર પાલિકાને (AMC)ને ફાળવવાનો નિર્ણય કર્યો છે. સિટી બ્યુટીફિકેશન – લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા હતા, હવે વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા AMCને ફાળવવામાં આવ્યા છે,
મુખ્યપ્રધાન ઓફીસ તરફથી મળેલી માહિતી મુજબ બ્યુટીફિકેશન સાથે સાથે પર્યાવરણ જાળવણી અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુ સર રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટના કામો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

મળતી મહિતી મુજબ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
આ તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે. આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.

કરોડોના ખર્ચ છતાં ચંડોળા તળાવ બિસ્માર હાલતમાં:

નોંધનીય છે કે અમદાવાદમાં આવેલા નાના-મોટા તળાવો હાલ બિસ્માર હાલતમાં છે. મોટા ભાગના તળાવો સુકાભટ્ઠ જોવા મળે છે. અમુક તળાવોના પટમાં બિલ્ડરોએ દબાણ જમાવતા તળાવના પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે.


વર્ષ 2015માં રાજ્ય સરકારે અમદાવાદ શહેરના સૌથી મોટા ચંડોળા તળાવના વિકાસ માટે AMCને ફાળવ્યું હતું. ત્યાર બાદ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ચંડોળા તળાવની હાલતા વધુ બગડી હોય એવું જણા છે. ચોમાસા સિવાય તળાવ સુકુભટ્ઠ રહે છે. યુવાનોને તળાવના પટમાં ક્રિકેટ રમતા જોઈ શકાય છે. તળાવ કચરો અને ગટરના પાણીનું ડમ્પિંગ ગ્રાઉન્ડ હોય એવું જણાય છે. જુલાઈ 2015 માં, તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે આ તળાવને AMCને સોંપ્યું હતું. ત્યાર બાદ તુરંત જ AMCએ 5 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ત્યાર બાદ તળાવના મૂળ વિસ્તારમાં કરતા 15% સુધી સંકોચાઈ ગયું છે. કારણ કે તળાવમાં પાણી ઠાલવતી કુદરતી ચેનલો કચરા અને ગેરકાયદેસર બાંધકામને કારણે બ્લોક થઇ ગઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.