શાળામાં ‘શ્રીમદ ભગવત ગીતા’ના પાઠ ભણાવવાની ગુજરાત સરકારની જાહેરાત માત્ર હવામાં, અભ્યાસક્રમમાં કોઈ ઉલ્લેખ નહિ

આપણું ગુજરાત

રાજ્યના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ ગત ૧૭મી માર્ચે વિધાનસભામાં ગુજરતની શાળાઓમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના પાઠ અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને લઈને દેશમાં વાદ-વિવાદ પણ થયા હતા બીજી તરફ સરકારને આ મુદ્દે સમર્થન પણ મળ્યું હતું. પરંતુ હાલ જયારે રાજ્યમાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું છે ત્યારે ગુજરાત સરકારની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. હાલ અભ્યાસક્રમમાં ગીતાના પાઠ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી.
સરકારે દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો વ્યાપ વધારવા ધોરણ ૬ થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણવાની જાહેરાત કરાઈ હતી. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની જાહેરાત પણ કરાઈ હતી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં મહામંત્રીએ જણાવ્યું કે, ધોરણ ૬ નાં પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ક્યાંય ઉલ્લેખ નથી, અભ્યાસક્રમમાં કોઈ ઉમેરો કરાયો નથી, અલગથી પણ કોઈ પુસ્તક વિશે કોઈ માહિતી અપાઈ નથી. શિક્ષણ વિભાગે નવા સત્રથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી હતી, પણ એની કોઈ માહિતી હજુ પણ અપાઈ નથી. આ સત્ર હવે શરૂ થઈ ગયું છે, શક્ય છે કે સત્રના બીજા ભાગમાં કદાચ કોઈ પુસ્તક સાથે સરકાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ અભ્યાસમાં કરે. જો કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ અભ્યાસમાં કરવો હોય તો શિક્ષકોને જાણ કરવી પડે, ટ્રેનિંગ આપવી પડે, હજુ સુધી આવી કોઈ યોજના અંગે પણ માહિતી નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.