ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સરકારી શિક્ષણની ગુણવત્તા અને માળખીકીય સુવિધાઓનો અભાવ વિરોધપક્ષો દ્વારા જનતાની સામે લાવવામાં આવ્યો હતો. તૂટેલા ઓરડા, જર્જરીત ઈમારતો, શૌચાલયોનો અભાવ વગેરે મુદ્દાઓ વિધાનસભામાં પણ ચગ્યા હતા. ત્યારે હવે સરકારે કેબિનેટમાં નિણર્ય લીધો છે કે રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવામાં આવશે. તેમાંથી ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો હોવાનું સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા ૨૧ હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવાના હેતુથી આ કામ શરૂ કરાયાનું પ્રધાને જણાવ્યું હતું.
માર્ચ ર૦ર૦ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા. ૩૦.૦૪.૨૦૨૨ સુધીમાં રાજયમાં લગભગ ૨૧ હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે રાજ્યમાં શિક્ષકોની ઘટ પણ એટલી જ તીવ્ર છે ત્યારે સરકાર નવા શિક્ષકોની ભરતી પણ વહેલીતકે કરે તે વધારે જરૂરી છે.