Homeઆપણું ગુજરાતગુજરાત સરકારે ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાના સહાય પેકેજની કરી જાહેરાત, 8...

ગુજરાત સરકારે ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાના સહાય પેકેજની કરી જાહેરાત, 8 લાખ ખેડૂતને મળશે સહાય

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાની ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે 630.34 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ અતર્ગત 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના લાભ થશે છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં સહાયરૂપ થવાના અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાના 2554 ગામમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફત રાજ્ય સરકારને મળ્યા હતા. આ રજૂઆતો સંદર્ભે આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના સહાય પેકેજની ઘોષણા કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે.
કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપેલી માહિતી મુજબ આ સહાય પેકેજ અંતર્ગત 33 ટકા અને એનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટરદીઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જ્યારે કેળના પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. 30,000ની હેક્ટરદીઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટમાંથી રૂ.13500 પ્રતિ હેક્ટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવામાં આવશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFનાં ધોરણો અનુસાર સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4 હજાર કરતાં ઓછી થતી હોય તોપણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ.4 હજારની સહાય ચૂકવવાની રહેશે.
પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય એ અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો “ના- વાંધા અંગેનો સંમતિપત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RELATED ARTICLES

Most Popular