ગુજરાતમાં ખેજૂતોની જમીન માપણી માટે વર્ષો પહેલા કરાયેલા સેટેલાઇટ રિસર્વે બાદ તેમાં પારાવાર ક્ષતિઓ સર્જાતાં રાજ્યના મોટા ભાગના ખેડૂતો નારાજ છે તેમજ આખો રિર્સવે જ રદ કરવાની પણ માંગણી ઉઠતી રહી છે ત્યારે હવે ગુજરાત સરકારે રિર્સવેમાં રહી ગયેલી ક્ષતિઓ સુધારવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ખાસ પાયલોટ પ્રોજક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે રિર્સવે બાદ અનેક વાર ક્ષતિ સુધારણા કાર્યક્રમો યોજવા છતાં પણ ખેડૂતોનાં ખેતરના મૂળભૂત ક્ષેત્રફળ અને નક્શામાં રહી ગયેલી ભૂલો હજુ સુધી સુધરી નથી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે સરકારને છેલ્લા સાતેક વર્ષમાં પાંચેક લાખ અરજી મળી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. રાજ્ય સરકારનું આ એક પ્રકારનું ષડયંત્ર છે.
રાજ્ય સરકારે પ્રધાન મંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે જમીન માપણી ક્ષતિ સુધારણા પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. જમીન રી-સર્વેની કામગીરી આ બન્ને જીલ્લાઓમાં કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. જેમાં ડિજિટલ સર્વે નહીં, પરંતુ ફિઝિકલ સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રિસર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ખાનગી એજન્સીએ કરેલા ડિજિટલ સર્વે ઉપર અનેક સવાલો ઊભા થયા હતા અને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો, કારણ કે ડિજિટલ રીસર્વેના પરિણામે ખેડૂતો ખેડૂતો વચ્ચે મતભેદ અને મનભેદ ઊભા થયા હતા. તેની પાછળનું મુખ્ય કારણ સેટેલાઈટથી કરવામાં આવેલો સર્વે હતો.