ગુજરાતમાં ફરીવાર શિક્ષણનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં રાજ્યમાં શિક્ષણ અને સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યના બે જિલ્લાની 54 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓ, જામનગર જિલ્લાની આઠ શાળાઓ, કલ્યાણપુર તાલુકાની 16 શાળાઓ, ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 -12 શાળાઓમાં હાલ માત્ર એક જ શિક્ષકના આધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરના સવાલના જવાબમાં શિક્ષણ પ્રધાને લેખિતમાં જવાબ આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો અભાવ હોવાનું સ્વીકાર્યું હતું. જૂનાગઢ જિલ્લાની 127 શાળાઓ, પોરબંદર જિલ્લાની નવ શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે. જ્યારે પોરબંદર જિલ્લાની સાત શાળાઓમા વીજળીનું કનેક્શન પણ નથી તેમજ જૂનાગઢ જિલ્લાની 54 અને પોરબંદર જિલ્લાની સાત શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી. અગાઉ લોકસભામાં પૂછવામા આવેલા એક સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે દેશમાં અધવચ્ચેથી અભ્યાસ છોડતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.
ગુજરાત સરકારે સ્વીકાર્યુઃ રાજ્યના આ બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષક
RELATED ARTICLES