Gandhinagar:પડતર માંગણીઓ લઈને ગુજરાતના ખેડૂતોએ(Gujarat Farmers) સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આજે પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. છેલ્લાં ઘણાં વખતથી એક સમાન વીજ બિલ સહીતની પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા ધ્યાન દેવામાં ન આવતા આખરે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર આંદોલનની શરૂઆત કરાઈ છે. ગાંધીનગર ખાતે ખેડૂતોએ ‘જય જવાન જય કિસાન’ના નારા સાથે રેલી યોજાઈ હતી. ખેડૂતોની માંગો અંગે ગુજરાત સરકાર નિર્ણય ન લે ત્યાં સુધી ધરણા પર બેસવાનું એલાન કરાયું છે.
આજે વહેલી સવારથી જ ગાંધીનગરમાં ખેડૂતોનું આગમન શરુ થઇ ગયું હતું. સરદાર પટેલની પ્રતિમાથી કિસાન સંઘ દ્વારા રેલીની શરૂઆત કરાઈ હતી. કિસાન સંઘના પ્રમુખ જગમલભાઈએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની પ્રતિમાએ અમે આર્શીવાદ લેવા જઈ રહ્યાં છીએ. સરકાર બહેરી થઇ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યાં છે છતાં અમારા પ્રશ્નો યથાવત છે. મીટર અને હોર્સ પાવર વચ્ચે ભાવ ફરક છે. ખેતરના કુવા અને બોરમાં પાણી જ નથી. મીટર પોસાતું નથી. ગત 21મી તારીખે અમે ધરણા કરવાની અરજી આપી હતી, છતાં અમને ધરણા માટે સ્થાન અપાયું નથી.
કિસાન સંઘના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે 27 વર્ષથી સરકાર અમારું સાંભળતી નથી. ગુજરાત સરકાર પાસે હજુ 12 કલાક છે, હજુ પણ સરકાર સાંભળી લે. મુખ્યપ્રધાન નિર્ણય લે અને ખેડૂતોને શાંતિથી ખેતી કરવા દે. ગુજરાતના ખેડૂતોને રોડ પર ન લાવે. ખેડૂતો કોઈને નુકસાન કર્યા વગર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. એક ભાઈને ફળ અને એક ભાઈને ગોળ એવું કેમ. જો અમારી સમસ્યાનો ઉકેલ નહી આવે તો અમે ગામડા બંધ કરીશું, વિધાનસભ્યો અને સાંસદોનું ગામડામાં જવાનુ મુશ્કેલ કરીશું.
આજથી સરકાર સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે. જ્યાં સુધી સરકાર તેમની માંગણી ઉકેલે નહી ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે તેવી ચીમકી ખેડૂતોએ આપી છે.

Google search engine