પક્ષની ચૂંટણીમા કારમી હાર થાય તો પ્રદેશ અધ્યક્ષ પર ઠીકરું ફોડવામાં આવે છે. મોટા ભાગે પ્રદેશ અધ્યક્ષ પોતે જ રાજીનામું ધરી દેતા હોય છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ઐતિહાસિક હાર બાદ પણ આવી કોઈ રજૂઆત કરી ન હતી. આથી હવે પક્ષે જ તેમને પદ પરથી ઉતારવાનું નક્કી કર્યાનું કહેવાય છે. થોડા દિવસો પહેલા ત્રણ સભ્યની કિમટિએ કોંગ્રેસની ગુજરાતમા હાર બદલ એક અહેવાલ દિલ્હી હાઈકમાન્ડને આપ્યો હતો. આ અહેવાલમાં સ્થાનિક નેતાએ રાજ્ય સ્તરની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આના પરિણામરૂપે કોંગ્રેસ નવા અધ્યક્ષ લાવે તેવી સંભાવના છે.
પાર્ટીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધારાસભ્ય દળના નેતા અને શૈલેષ પરમારને ગુજરાત વિધાનસભામાં ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે. અમિત ચાવડા ક્ષત્રિય છે, પરંતુ તેઓ ઓબીસી હેઠળ આવે છે. એ જ રીતે શૈલેષ પરમાર અનુસૂચિત જાતિમાંથી આવે છે.
જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પાર્ટી રાજ્યની કમાન કોઈ પાટીદારને આપે તેવી અપેક્ષા છે. પ્રદેશ પ્રમુખના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. ધાનાણી વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે અને પટેલ સમુદાયમાંથી આવે છે. જોકે ૨૦૨૨ની ચૂંટણીમાં તેઓ તેમની અમરેલી બેઠક પરથી હારી ગયા હતા, પણ કોંગ્રેસે યુવાન અને સવર્ણ ચહેરો રાખવો હોય તો તેમની પર પસંદગી ઉતારવી પડશે.
જોકે હાલમાં ગુજરાત કોંગ્રેસમાં જે નામની ચર્ચા છે તેમાં ધનાણી ઉપરાંત ડો.જીતુ પટેલ, અર્જુન મોઢવાડીયા અને દિપક બાબરીયાના નામનો સમાવેશ થાય છે. અર્જુન મોઢવાડિયા પ્રથમ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ડો.જીતુ પટેલ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે.
તેઓ ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે ડિસેમ્બર 2021માં જગદીશ ઠાકોરને રાજ્યની કમાન સોંપી હતી, પરંતુ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં પાર્ટી માત્ર 17 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. જોકે કોંગ્રેસ માત્ર ચહેરા બદલે તેનાથી કંઈ જ ફાયદો નથી, પક્ષે સંગઠનમાં ધરમૂળથી ફેરફાર લાવી મજબૂત નેતાગીરી સાથે મેદાનમાં ઉતરવાની જરૂર છે.