ગુજરાત કોંગ્રેસમાં નવાજુનીના એંધાણ: ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા સહીતના નેતાઓને હાઈકમાન્ડનું તેડું

આપણું ગુજરાત

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. ગુજરાત કોગ્રેસના કાર્યકર્તાઓમાં અવગણના અને ભેદભાવની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી ડો. રઘુ શર્માની સહીતના નેતાઓને હાઈકમાન્ડે દિલ્હીનું તેડું મોકલ્યું છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની એક બેઠક મળશે જેમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ રઘુ શર્માએ ગુજરાતમાં અત્યાર સુધીમાં જે કંઈ કાર્યક્રમો કર્યા છે તેનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થઇ શકે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે.
દિલ્હીમાં આજે વર્તમાન પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, પૂર્વ વિપક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના નેતાઓ કોંગ્રેસના હાઈકમાંડ સાથે બેઠક કરશે. આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, કેમ્પેઈન કમિટી, મેનિફેસ્ટો કમિટી સહિતની વિવિધ જવાબદારીઓ સિનિયર અને જુનિયર નેતાઓને સોંપવામાં આવશે. તે ઉપરાંત કોને કઈ જવાબદારી સોંપવી તેની પણ ચર્ચાઓ આ બેઠકમાં કરાશે. બીજી તરફ લોકો વચ્ચે જવા માટે અત્યાર સુધીમાં કેવા પ્રકારના કાર્યક્રમો કર્યાં તેની સમીક્ષા થશે. વર્ષોથી રાજ્યના શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો છે. તેથી શહેરી વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવા ચર્ચા કરાશે.
હાઈકમાન્ડ ગુજરાતના પ્રભારી ડો.રઘુ શર્માની કામગીરીથી નારાજ હોવાની ચર્ચા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અને નારાજગીને લીધે દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ NSUIના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.