ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 182 બેઠકોમાંથી કોંગ્રેસ માંડ 17 બેઠકો જ જીતી શકી હતી. ચૂંટણી દરમિયાન પક્ષમાં આંતરિક વિખવાદો સામે આવ્યા હતા. પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા વાળા સામે હવે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસે આજે 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે, જેને લઈને કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ ભાજપ પણ પક્ષ વિરોધીઓ સામે પગલા લેવાની તૈયારીઓ કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસે 5 સભ્યોની શિસ્ત સમિતિ બનાવી હતી. સમિતિ પાસે આવેલી 71 અરજીઓમાં 95 લોકો સામે ફરિયાદો કરવામાં આવી હતી. જેના પર તપાસ કરી આજે સમિતિએ 33 કોંગ્રેસ નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ વિધાનસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.
મળતી માહિતી મુંજબ કોંગ્રેસે 33 લોકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. હજુ 18 નેતાને રૂબરૂ મળી નિર્ણય લેવાશે. 6 હોદ્દેદારોના હોદ્દા પરત લેવામાં આવ્યા છે. 8 અરજીઓમાં ઠપકો આપવામાં આવ્યો છે જયારે 4 અરજીઓ પેન્ડિંગ રખાઈ છે.
બીજી તરફ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારે બહુમતીથી જીતેલી ભાજપમાં પણ પક્ષ વિરોધી કામ થયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ભાજપે સીનીયર નેતાઓની એક તપાસ સમિતિ બનાવી છે આ સમિતિ એક-બે દિવસમાં રિપોર્ટ પાર્ટીને સોંપી દેશે.