જનતા ભલે એક બાઈકના હપ્ત્તા ભરવામાં ને પેટ્રોલના ખર્ચા કરવામાં વાંકી વળી જાય ,પણ ભઈ મુખ્ય પ્રધાન તો ઠાઠમાઠમાં રહેવા જ જોઈએ ને…ગુજરાતના મુખ્ય પ્રધાને પણ પોતાના ઠાઠમાં વધારો કર્યો છે અને એક નહીં પણ એક ડઝન નવી કાર ખરીદી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે એ ગાડીઓને બદલીને હવે ફોર્ચ્યુનર ગાડીઓ અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. તેમની ગાડીના ડેશબોર્ડ પર તેમના શ્રદ્ધાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
સૂ્ત્રોના જણાવ્યા મુજબ, પટેલને સ્કોર્પિયો કરતાં ફોર્ચ્યુનર ગાડી વધુ પસંદ હોવાથી આ મોડલ પસંદ કરાયું છે. કાફલાની તમામ ગાડીઓ એક જ મોડલ અને એક જ રંગની હોય છે.
2019માં મુખ્ય પ્રધાનવિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી માટે ખરીદેલા 20 વર્ષ જૂના વિમાનને બદલી 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 ખરીદ્યું હતું. જોકે રૂપાણી આ વિમાનનો ઉપયોગ કરે એ પૂર્વે જ તેમની સરકાર જતી રહી અને ભૂપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન બની પ્રથમ સવારી કરી હતી.