અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે અને આવતીકાલે લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવશે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં દર વર્ષે ત્રણ વાર ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. તા.14 અને તા.15 જાન્યુઆરી ઉપરાંત ખંભાતમાં આગામી રવિવારે અને સિધ્ધપુરમાં દશેરાએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે.
આમ તો સમગ્ર દેશમાં ઉત્તરાયણ દર વર્ષે તા.14 અને તા.15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે પરંતુ ખંભાતમાં ઉત્તરાયણ પછી આવતા રવિવારે લોકો પતંગ ઉડાડે છે. દાયકાઓથી ખંભાતમાં મોટા પ્રમાણમાં લોકો પતંગો તૈયાર કરે છે અને તેઓ છેક છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહેતા હોવાથી ખંભાતમાં લોકો ઉત્તરાયણ પછીના રવિવારે પતંગો ઉડાડે છે. આ ઉપરાંત દરીયાકિનારા પર પતંગો ઉડાડવામાં આવે છે અને તેની પાછળ એવી માન્યતા છે કે લોકો દરીયાને પતંગો અર્પણ કરે છે.
જ્યારે સિધ્ધપુરમાં દશેરાએ જ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. સિધ્ધપુરના રાજા સિધ્ધરાજ જયસિંહનું તા.14 જાન્યુઆરીએ નિધન થયું હોવાથી તેમની યાદ અને માનમાં લોકો આ દિવસે પતંગ ઉડાડતા નથી. જોકે સિધ્ધપુરમાં દર દશેરાએ લોકો પતંગ ઉડાડે છે.