હાલ ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વધુ એક વાર પ્રશ્નપત્રમાં ગોટાળો સામે આવ્યો હતો. ધોરણ 12ના સંસ્કૃત વિષયના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને 29મી માર્ચે સંસ્કૃત વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ધો.12ના સંસ્કૃત વિષયના પેપરમાં કેટલાક પ્રશ્નો અભ્યાસક્રમના બહારથી પૂછાયા હતા, વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ મળી હતી. જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે.
20 માર્ચે સંસ્કૃત વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા વર્ષો પહેલા બંધ કરાયેલ જૂના ફોર્મેટ પ્રમાણે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે 100 માર્કસના પેપરમાં કુલ 80 માર્કસના પ્રશ્નો જુના ફોર્મેટ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ પ્રશ્નોના જવાબ લખ્યા ન હતા કારણ કે તેઓ પ્રશ્નો સમજી શક્યા ન હતા.
સંસ્કૃત વિષયના શિક્ષકોએ આ અંગે બોર્ડને ફરિયાદ કરી હતી. આ ફરિયાદોની નોંધ લઈને બોર્ડે 29 માર્ચે પરીક્ષાનું પુન:આયોજન કરવાનો નિર્ણય લીધો છે.