Homeટોપ ન્યૂઝગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી

ચૂંટણીપંચ: દિલ્હીમાં ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરવા યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર (ડાબેથી બીજા), ચૂંટણી કમિશનર અનુપ ચંદ્રા પાણ્ડેય (જમણેથી બીજા) અને નાયબ ચૂંટણી કમિશનર નીતીશ વ્યાસ (ડાબે). ગુજરાતમાં પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ૮ ડિસેમ્બરે મતગણતરી થશે. હિમાચલ પ્રદેશમાં પણ એ જ દિવસે મતગણતરી થશે. (એજન્સી)
——–

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસોની અટકળો વચ્ચે ગુરુવારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દેશના ચૂંટણીપંચે જાહેર કરી હતી. ૧૮૨ બેઠકોની વિધાનસભાની આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોનું મતદાન ૧લી ડિસેમ્બરે યોજાશે, જ્યારે અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનું મતદાન પાંચમી ડિસેમ્બરે થશે. આ બન્ને મતદાન બાદ મતગણતરી ૮મી ડિસેમ્બરે થશે. રાજ્યમાં આ વખતે છેલ્લા ૨૭ વર્ષથી સત્તા પર રહેલા સત્તાધારી ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત હવે ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. ૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી જોકે હવે ૨૦૨૨ના આ ચૂંટણી જંગ ત્રિપાંખિયા બનાવની શક્યતાઓને પગલે અનેક નવા ચૂંટણી સમીકરણો રચાશે. ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામા આવ્યો હતો. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરેલી જાહેરાત અનુસાર રાજ્યના ૪.૯૦ કરોડ મતદારો બે તબક્કામાં ૫૧૭૮૨ મતદાન મથકો પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. પહેલા તબક્કાની ચૂંટણીનું જાહેરનામું તા. પાંચમી નવેમ્બરે બહાર પડશે તેમ જ ૧૪મી તારીખે ઉમદેવારી પત્રો ભરી શકાશે અને ૧૫મીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે જ્યારે ૧૭મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે અને ૧લી ડિસમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં ૧૦મી નવેમ્બરે જાહેર નામું બહાર પડ્યા બાદ ઉમેદવારી પત્ર નોંધાવાની છેલ્લી તારીખ ૧૭મી નવેમ્બર છે અને જે ૨૧મી સુધીમાં પરત ખેંચી શકાશે. આ બન્ને મતદાન બાદ તમામ ૧૮૨ બેઠકોની મતગણતરી ૮મી ડિસેમ્બરે થશે જ્યારે ચૂંટણી પ્રક્રિયા ૧૦મી ડિસેમ્બરે પૂરી કરવામાં આવશે.
ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો સાથે ૪૯.૦૫ ટકા મત મેળવ્યા હતા જ્યારે કૉંગ્રેસને ૭૭ બેઠકો સાથે ૪૨.૯૭ ટકા મત મળ્યા હતા. વિધાનસભા સામાન્ય ચૂંટણી પછી કૉંગ્રેસના ૧૧થી વધુ ધારાસભ્યો પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે તેની ૧૧ જેટલી બેઠકો વધારી હતી અને કૉંગ્રેસની સંખ્યા ઘટીને ૬૨ થઈ ગઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી (આપ)એ ગુજરાત પર પોતાની નજર નાંખી છે અને ચૂંટણી માટે તૈયારી કરી લીધી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં સફળતા મેળવ્યા બાદ રાજ્યમાં આપ માટે ગુજરાતના અનેક પ્રવાસો કર્યા છે.
આ ચૂંટણીને ૨૦૨૩માં અન્ય રાજ્યોની ચૂંટણીઓ સાથે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ માટે નિર્ણાયક તરીકે જોવામાં આવે છે જ્યારે મોદી અને ભાજપ કેન્દ્રમાં તેમની સતત ત્રીજી સરકાર માટે પ્રયાસ કરશે.
દરમિયાન ૨૦૨૨ની આ ચૂંટણીમાં તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. ૧૨૭૪ વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે. ૧૮૨ મતદાન મથકનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે. દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં ૩૩ મતદાન મથક એવાં હશે, જેમાં સૌથી યુવા સ્ટાફ, એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે એક વોટ લેવા માટે ૧૫ જણનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના ૪૫૭ મતદાર માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે. ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે. ૯.૮૯ લાખ ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં પચીસ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં ૮૯ વિધાનસભા બેઠક માટે ૧૯ જિલ્લામાં ૯ ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં ૧૪ ડિસેમ્બરે ૯૩ વિધાનસભા બેઠક માટે ૧૪ જિલ્લામાં મતદાન થયું હતું.
——–
ગુજરાતમાં નવા ૩.૨૪ લાખ મતદારો ઉમેરાયા
તમામ રાજકીય પક્ષોની નજર નવા મતદારો પર હોય છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે ૩.૨૪ લાખ મતદાર ઉમેરાયા છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર શહેરોમાં મતદાન વધારવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૩.૨૪ લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં ૨૦૨૨ બૂથ એવાં શોધવામાં આવ્યાં છે, જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે એ માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠક છે, તેમાં ૪૦ બેઠક અનામત છે. ૧૩ બેઠક અનુસૂચિત જાતિ (જઈ) માટે અને ૨૭ બેઠક અનુસૂચિત જનજાતિ (જઝ) માટે રિઝર્વ છે. ૨૦૧૭માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને ૭૭ બેઠક મળી હતી, જ્યારે ઇઝઙને ૨ સીટ અને ૪ સીટ પર અપક્ષ જીત્યા હતા.
ફેક ન્યૂઝ પર નજર રખાશે
મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે. ૨૦૧૭માં ૨૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં ૮૯ વિધાનસભા બેઠક માટે ૧૯ જિલ્લામાં ૯ ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં ૧૪ ડિસેમ્બરે ૯૩ વિધાનસભા બેઠક માટે ૧૪ જિલ્લામાં મતદાન થયું હતું.
ગુજરાતમાં ૧૦૦ વર્ષની ઉંમરવાળા ૧૧,૮૦૦ મતદાર
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કુલ ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદાર નોંધાયા છે, જે આંકડો અગાઉ ૪ કરોડ ૮૩ લાખ ૭૫ હજાર ૮૨૧ મતદારોનો હતો તેમજ પંચની યાદી મુજબ ૨ લાખ ૬૮ હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે ૧ લાખ ૯૩ હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ૪ લાખ ૬૧ હજાર ૪૯૪ મતદાર ઉમેરાયા છે. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષની તુલનામાં ૯૩૪ મહિલા છે. ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતા ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે.ઉ
———
બૂથ પર જવાનું શક્ય ન હોય તેના ઘરે જઈ મત લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:.એક તરફ યુવાન અને શિક્ષિત લોકો મતદાન કરવા જતા નથી ત્યારે એવા ઘણા જાગૃત નાગરિકો છે જેમને મતદાન કરવું હોય છે, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે બૂથ સુધી પહોંચી શકતા નથી. ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ૮૦ વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular