Homeટોપ ન્યૂઝગુજરાત ઑલિમ્પિક્સ યોજવા સક્ષમ: ઠાકુર

ગુજરાત ઑલિમ્પિક્સ યોજવા સક્ષમ: ઠાકુર

દેશ ૨૦૩૬ની ઑલિમ્પિક્સની યજમાની માટે તૈયાર, આઇઓસી સમક્ષ રજૂ કરાશે રોડમેપ

નવી દિલ્હી: રમતગમતના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાત ઑલિમ્પિકનું યજમાન બનવા સક્ષમ છે. ગુજરાતમાં ઑલિમ્પિકના આયોજન માટે જરૂરી માળખાકીય સુવિધા પણ છે.
ભારત ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૩માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ના સત્ર દરમિયાન આઇઓસીના પૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે.
અનુરાગ ઠાકુરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતીય ઑલિમ્પિક એસોસિએશનની ઑલિમ્પિક ગેમ્સની યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વિશ્ર્વસ્તરીય રમતગમતના માળખા સાથે ‘યજમાન શહેર’ બનવા સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતે ઘણી વખત ઑલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતની પાસે હોટેલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે. ગુજરાતમાં ઑલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકાર પણ સક્ષમ અને સુસજ્જ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતે અગાઉ ૧૯૮૨ એશિયન ગેમ્સ અને ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને આગામી સ્ટોપ સમર ઓલિમ્પિક્સ હશે.
અહીં નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ઑલિમ્પિકની તમામ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં યોજી શકાય એમ છે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરી શકાય છે. મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક ઑલિમ્પિક વિલેજ બનાવવામાં આવશે. ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
અહીં કોમન સ્પોર્ટ્સ ફેસિલિટી, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટેની ટ્રેક, લીગ મેચો યોજી શકાય તેવા જુદાં જુદાં ગ્રાઉન્ડ્સ પણ તૈયાર કરાશે. ખેલાડીઓ, ટેકનિકલ સ્ટાફ, કમિટી, ઓફિસ સ્ટાફના રહેવાની પણ અહીં વ્યવસ્થા કરાશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમતગમત સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ અશ્ર્વિનીકુમારે ઓલિમ્પિક્સ ર૦૩૬ માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં જ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જો ભારત આટલા મોટા પાયા પર જી-૨૦ પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર આઇઓએ સાથે મળીને દેશમાં ઑલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે ૨૦૩૨ સુધી સ્લોટ બુક થઈ ગયા છે, પરંતુ ૨૦૩૬ પછી અમને આશા છે કે ભારત ઑલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગાવશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત ૨૦૩૬માં ઑલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે, તો ઠાકુરે કહ્યું- હા, ભારત તેના માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. અમારા માટે ના કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા બધા પ્રયત્ન કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપું છું કે અમે ઑલિમ્પિકનું મોટા પાયે આયોજન કરીશું. ઑલિમ્પિકની યજમાની કરવાનો આ યોગ્ય સમય છે. ભારત ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
ઠાકુરે કહ્યું હતું કે સરકાર આઇઓસી સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનાર આઇઓએ સાથે પરામર્શ કરીને રોડમેપ તૈયાર કરશે. અમે તે સમય (સપ્ટેમ્બર ૨૦૨૩) સુધીમાં સમક્ષ રોડમેપ રજૂ કરી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular