સોશિયલ મીડિયા પર એક નાનકડી વાત પણ આગની જેમ ફેલાઈ જતી હોય છે અને તેની જાળ ક્યારે કોને દઝાડે તે સમજાતું નથી. આવું જ કંઈક ગુજરાતમાં બન્યુ જ્યારે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સંદર્ભે એક ટ્વીટ કરી ને પછી કોંગ્રેસે સામો મારો શરૂ કર્યો. રાહુલ ગાંધી હાલમાં ઘણા ચર્ચામાં છે. એક તો હમણા જ તેમણે ભારત જોડો યાત્રા પૂરી કરી, જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. બે દિવસ પહેલા તેમણે સંસદમાં અદાણી કંપનીને લઈ આકરા પ્રહારો કર્યા. ભારત જોડો બાદ તેમને એક પરિપક્વ રાજકારણી તરીકે લગભગ સ્વીકારવામાં આવ્યા છે ત્યારે સંઘવીની ટ્વીટે ટીકાને આમંત્રી છે.
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આડકતરી રીતે રાહુલ ગાંધી પર ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હવે એક વાત ‘કન્ફર્મ’ છે. જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ.! ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વીટર યુદ્ધ શરૂ થયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીના ટ્વિટને લઈને રીટ્વીટ કરતાં લખ્યું હતું કે, હવે એક વાત કન્ફર્મ છે, ‘જો તમે આઠ ચોપડી ભણ્યા હોવ અને બુધ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો.’ જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લખ્યું હતું કે, ‘હવે એક વાત ‘કન્ફોર્મ’ છે..! ગુજરાતમાં ચાલતા લઠ્ઠાકાંડ, કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફોડનાર, વિકાસના નામે તાયફાઓ કરનારા અને દિકરીઓની સુરક્ષામાં નિષ્ફળ નીવડેલા લોકો આજે અચાનક બીજાની બુદ્ધિ ની વાતો કયા મોઢે કરી રહ્યા છે? ‘ નેટીઝન્સે પણ આ ટ્વિટને લઈને ટ્વિટર પર ભારે મારો કર્યો હતો.
હર્ષ સંઘવી ઉંમરના નાના છે અને તેમના અભ્યાસને લઈને વિવાદમાં રહે જ છે. પણ તમે જ્યારે જાહેર જીવનમાં આવો ત્યારે તમારી દરેક નાની બાબત પણ નજરમાં આવી જતી હોય છે. ત્યારે આજકાલ અભિવ્યક્તિના માધ્યમ તરીકે સોશિયલ મીડિયા ભારે ચલણમાં છે ત્યારે માત્ર જબાન સંભાલકે નહીં, પરંતુ ટ્વીટર પણ સંભાલકે વાપવાની જરૂર છે.