જીએસટી કમ્પેન્સેશન સેસની બાકી નીકળતી રકમો વહેલી તકે ચૂકવાઈ જશે
લખનઊ: જીએસટી કાઉન્સિલે પ્રવાહી ગોળ, પેન્સિલ શાર્પનર્સ અને કેટલાક ટ્રૅકિંગ ડિવાઇસિસ પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનું પ્રમાણ ઘટાડ્યું હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. નાણાં પ્રધાને પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને જીએસટી કાઉન્સિલની ૪૯મી બેઠકના નિર્ણયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે જૂન મહિનાના ૧૬,૯૮૨ કરોડ રૂપિયા સહિત જીએસટી કમ્પેન્સેશન સેસની બાકી નીકળતી રકમો વહેલી તકે ચૂકવાઈ જશે.
૨૦ કરોડ રૂપિયા સુધી એગે્રગેટ ટર્ન ઓવર ધરાવતી રજિસ્ટર્ડ વ્યક્તિઓને વાર્ષિક જીએસટી રિટર્ન્સ મોડાં ફાઇલ કરવા બદલ દંડ (લેટ ફી)નું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી અમલમાં આવે એ રીતે વ્યવહારુ બનાવવાની ભલામણ પણ કાઉન્સિલે કરી છે. દંડની રકમ ટર્નઓવરના ૦.૦૪ ટકા એટલે કે પાંચ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર માટે રોજના ૫૦ રૂપિયા અને પાંચ કરોડ રૂપિયાથી વીસ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર માટે રોજના ૧૦૦ રૂપિયા કરવાની ભલામણો કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં કરચોરી પર નિયંત્રણ બાબતે અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ્સ બાબતે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સના અહેવાલો બોર્ડ પર લેવાયા હતા. પાનમસાલા અને ગુટખા ઉદ્યોગ દ્વારા કરચોરી બાબતે ઓડિસાના નાણાં પ્રધાન નિરંજન પૂજારીની અધ્યક્ષતામાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી હતી. જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ્સ બાબતે હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાની અધ્યક્ષતામાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી હતી. એપેલેટ ટ્રિબ્યુનલ્સમાં ન્યાયતંત્રના બે સભ્યો તથા કેન્દ્ર અને રાજ્યોના પ્રત્યેકના એક એક ટૅક્નિકલ સભ્યો તેમ જ એક નિવૃત્ત ન્યાયમૂર્તિના સમાવેશની ભલામણ સંબંધિત ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સે કરી હતી.
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કાઉન્સિલે પ્રવાહી ગોળ પરનો ૧૮ ટકા જીએસટી રદ કરવા અને છૂટક વેચાણ કરાતું હોય કે પ્રિ-પૅકેજ્ડ કે લેબલ્ડ રૂપે વેચાણ કરાતું હોય તો પાંચ ટકા જીએસટી લાગુ કરવાની ભલામણ કરવામાં આવશે. પેન્સિલ શાર્પનર્સ પરની ડ્યૂટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. ક્ધટેનર પર લગાવાયેલા ટૅગ ટ્રૅકિંગ ડિવાઇસ કે ડેટા લૉગર જેવા સાધનો પર આઈજીએસટી લાગુ નહીં કરવાની ભલામણ કરવામાં આવી છે. ક્ધટેનર્સ માટેની ‘ઝીરો આઈજીએસટી ટ્રીટમેન્ટ’ અમુક ટ્રૅકિંગ ડિવાઇસિસને પણ લાગુ કરવામાં આવશે. કાઉન્સિલની ૪૯મી બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભા ધરાવતા)ના નાણાં પ્રધાનો અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અમલદારો સામેલ થયા હતા. (એજન્સી)