(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ શહેરના એસ.પી રીંગરોડ નજીકના ભાડજના શાંતિ નિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવા જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના ભાડજના શાંતિ નિકેતનના મેદાનમાં જીએસટી ઓફિસર્સ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ ચાલી રહી હતી. તે દરમિયાન વસંત રાઠોડને હૃદયનો હુમલો આવ્યો હતો. જોકે જીએસટી ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલા જ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા પત્રકાર યુવકનુ મોત થયુ હતું.
આ ઉપરાંત સુરતમાં પણ ક્રિકેટ રમી ઘરે પરત આવતા યુવકને ગભરામણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક તેનું મોત થયું પછી હતું. યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.