જીએસટીના ફેરફારમાં રાહત ઓછી, આફત વધુ

ઉત્સવ

મોંઘવારીમાં કરબોજ વધારી પડ્યા પર પાટુ ન મારો સરકાર!

સ્પેશિયલ-જયેશ ચિતલિયા

જીએસટીના ફેરફારમાં રાહત ઓછી, આફત વધુ
મોંઘવારીમાં કરબોજ વધારી
પડ્યા પર પાટુ ન મારો સરકાર!
રિઝર્વ બેંક સામે હાલ બે ગંભીર સમસ્યા પડકાર બનીને ઊભી છે, એક મોંઘવારી અને બીજી ફોરેન કરન્સી, અર્થાત રૂપિયાની નબળાઈ, જેને કારણે પાછો ખેંચાઈ રહેલો ડૉલર પ્રવાહ, મોંઘી બનતી આયાત, વધતી ટ્રેડ ડેફિસિટ આર્થિક સમસ્યામાં ઉમેરો કરતા જાય છે. રિઝર્વ બેંક જરૂરી પગલાં ભરી રહી છે, જેનો ઉકેલ સમય લેશે. દરમ્યાન સરકારે અનેકવિધ ચીજ-વસ્તુઓ-સેવાઓ પર જીએસટીના દર લાગુ કરવા અને/અથવા વધારવાનો નિર્ણય લેતા વપરાશકાર-ગ્રાહકો પર બોજ વધ્યો છે. આની સામે વિરોધ અને આંદોલનનો માહોલ બનવા લાગ્યો છે. પાંચ વરસના જીએસટી સામે હજી પચાસ સમસ્યા ઊભી છે, તેના માળખાંમાં સુધારાની તાતી જરૂર છે.
સરકારની તિજોરીમાં જયારે ગરીબાઈ હોય ત્યારે સૌથી વધુ ભોગ ગરીબોનો અને ખાસ કરીને મધ્યમવર્ગ-સેલેરી કલાસનો જ લેવાતો હોય છે. કારણ કે અમીરોને વધુ ડિસ્ટર્બ કરી શકાતા નથી, અમીરોને વધુ ફરક પણ પડતો નથી, તેમની પાસે કર બચાવવા-ટાળવાના અનેક રસ્તા હોય છે, જયારે ગરીબ-મધ્યમવર્ગ પાસે એવા કોઈ વિકલ્પ હોતા નથી, તેમણે તો કરબોજ ઊઠાવવો જ પડે છે. આવકવેરામાં તો હજીય કર બચાવવાની સત્તાવાર સુવિધા હોય છે, કિંતુ જીએસટી જેવા પરોક્ષ વેરામાં કોઈ માર્ગ નથી. હાલ આ હકીકત વધુ નકકર બનીને સામે આવી છે. જીએસટીનો ભાર વધી રહ્યો છે અને તેનો મહત્તમ ભોગ મધ્યમવર્ગ બની રહ્યો છે. ભવિષ્યમાં હવા અને વરસાદના પાણી પર પણ જીએસટી લાગુ થઈ જાય તો નવાઈ નહી, આ વાંચીને આંચકો લાગ્યો? જોકે જીએસટીમાં જે ફેરફાર થઈ રહ્યાં છે તે જોતા આવા વિચાર આવી જાય તો નવાઈ નહીં. સરકારને યેન કેન પ્રકારણે રેવન્યૂ જોઈએ છે, જેનો સરળ માર્ગ જીએસટી બન્યો છે અને હજી બની શકે છે. તાજા અહેવાલ કે સંકેત મુજબ જીએસટી કાઉન્સિલ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડસ કે સંસ્થાઓ દ્વારા તેમની પેરેન્ટ કંપનીઓના બ્રાન્ડ નામ, લોગો અને ટેગલાઈનનો ઉપયોગ કરાય છે તેમાં એ કંપનીઓએ પેરેન્ટ કંપનીને રોયલ્ટી યા સમાન ફી ચુકવવાની થાય છે, જેના પર ૧૮ ટકા જીએસટી લાગુ થવો જોઈએ. આવી પેરેન્ટ કંપનીઓ-બેંકોમાં સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકિસસ બેંક, એચએસબીસી વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આવી કોઈ ચુકવણી કરાતી નથી, જેને હવે પછી જીએસટી ઑથોરિટીઝ પડકારશે એવું જાણવા મળે છે. જો આમ થયું તો બેંકો પર જીએસટીનો ઊંચો બોજ આવશે, જે હજારો કરોડમાં હશે, જેની અસર રૂપે સામાન્યજનો પર પણ કરબોજ વધવાની શકયતા રહેશે. બેંકો આને એક યા બીજી રીતે ગ્રાહકો પાસેથી વસુલવાનો પ્રયાસ કરશે.
જીએસટીના દરવધારા કોના પર?
આમ પણ હજી તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલે સંખ્યાબંધ આઈટમ્સ અને સર્વિસીસ પર જીએસટીના દર વધારાની જાહેરાત કરી છે. કેટલીક આઈટમ તો કરમુકત હતી, તેને પણ કરમાળખામાં સમાવી લીધી છે. જીએસટીના આ ફેરફારોમાં રાહત ઓછી, આફત વધુ આવી છે, જેમ કે ચેક પર અગાઉ શૂન્ય દર હતો, જે હવે ૧૮ ટકા કરાયો છે, મેપ્સ અને ચાર્ટ પર પણ શુન્યની સામે ૧૨ ટકા દર કરાયો છે. પેટ્રોલિયમ-કોલ બેડ મીથેનનો દર પાંચ ટકાથી ૧૨ ટકા કરાયો છે. ઈ-વેસ્ટ પર પાંચ ટકા સામે સીધો ૧૮ ટકા દરનો જીએસટી લાગુ કરાયો છે.
અન્ય ચીજો પરના દર વધારામાં ટેઈલરિંગ અને ટેકસ્ટાઈલ્સ પર ૫ થી ૧૨ ટકા, પ્રિન્ટીંગ, રાઈટિંગ અને ડ્રોઈંગ ઈન્ક પર ૧૨ થી ૧૮ ટકા, ચપ્પુ, ફોર્ક અને ચમચી પર ૧૨ થી ૧૮ ટકા, પાવર ડ્રિવન પમ્પસ પર ૧૨ થી ૧૮ ટકા, અનાજ માટેની ચકકી અને મશીન પર પાંચ ટકાના સીધા ૧૮ ટકા, ઈંડા, ફળો અને દૂધના મશીન પર ૧૨ ના ૧૮ ટકા,એલઈટી લેમ્પસ/સર્કિટસ વગેરે પર ૧૨ના ૧૮ ટકા, સોલાર વોટર હીટર પર પાંચના ૧૨ ટકા, ડ્રોઈંગ/માર્કેટિંગ સાધનો પર ૧૨ના ૧૮ ટકા, તૈયાર-ફિનિશ્ડ લેધર પર પાંચના ૧૨ ટકા, લેધર અને કલે માટેના જોબવર્ક પર પાંચના ૧૨ ટકા, રોડ્સ અને રેલના કૉન્ટ્રેકટસ પર ૧૨ના ૧૮ ટકા, ટેટ્રા પેક પર ૧૨ના ૧૮ ટકા, કટ અને પોલિશ્ડ ડાયમંડસ પર ૦.૨૫ ટકાના ૧.૫૦ ટકા દર કરાયા છે. આમ મોટાભાગની આઈટ્મ્સ પર રેટ વધારો લાગુ કરાયો છે, જે ચોકકસપણે આમ પ્રજાને અસર કરશે, તેમનો બોજ વધારશે. જયારે કે જેમાં રેટ કટ કર્યો હોય તેમાં ટ્રકના ભાડા પર ૧૮ના ૧૨ ટકા કરાય, રોપવેઝ દ્વારા ટ્રાન્સપોર્ટ પર ૧૮ ટકાના પાંચ ટકા કરાયા, ઓસ્ટોમી અને ઓર્થો એપ્લાયન્સિસ પર ૧૨ના પાંચ ટકા કરાયા છે. જોકે નાના ઓનલાઈન બિઝનેસને જીએસટી માટે રૂ. ૪૦ લાખ સુધીની મુકિત આપી છે.
સામાન્યજન પર વધુ બોજ
સરકારની જીએસટીની આવક નિયમિત વધી યા ઊંચી રહી છે, તાજેતરમાં કરાયેલા દર વધારા બાદ આ આવક હજી વધશે, કારણ કે જેના દર વધારા કરાયા છે તે દરેક ચીજ-વસ્તુ કે સર્વિસના ભાવ વધશે એ નકકી છે. જીએસટીના વિક્રમી કલેકશનમાં ભાવવૃદ્ધિનો ફાળો પણ છે. આ ૧૮ જુલાઈથી જીએસટીના નવા દર જે-જે વસ્તુઓ પર લાગુ થવાના છે, તેમાં નોંધવાનું એ છે કે આમાં મોટાભાગની આઈટમ્સ ગ્રાહકો પર બોજ વધારશે એ નકકી છે. જીએસટી એક આવકાર્ય કદમ હોવાની વાત સાચી, જેનાથી વેરા પર વેરાનો (મલ્ટીપલ ટૅકસનો) બોજને ટાળી શકાય છે, છતાં આ જીએસટી હેઠળની યાદીમાં એવી ચીજો અને સેવાઓ છે, જેનો મહત્તમ ઉપયોગ મધ્યમ અને નિમ્નવર્ગ કરતો હોવાથી તેમનો બોજ ભારે પડે છે. દાખલા તરીકે લાઈફ ઈન્સ્યુરન્સ કે મેડિકલ ઈન્સ્યુરન્સના પ્રિમિયમ પર પણ જીએસટી લાગુ થાય છે, આવી કેટલીય આઈટમ્સ છે, જે સામાન્યવર્ગ માટે આવશ્યક છે, તેમણે જીએસટીનો ભાર ઊંચકવો પડતો હોવાથી મોંઘવારીનો ભાર વધે છે. જીએસટી બાદ ભાવ વધારાનો બોજ પણ આખરે તો ગ્રાહકો જ ઊઠાવે છે.
કરોડપતિ અને સામાન્ય વ્યક્તિ પર સમાન જીએસટી
આવકવેરો એક પ્રત્યક્ષ વેરો છે, જેમાં વ્યકિતની આવકના સ્તર મુજબ ટૅકસના વિવિધ દર લાગુ થાય છે. અમુક રકમ સુધીની મર્યાદામાં આવતી વાર્ષિક આવકને મુકિત પણ છે તેમ જ આવકને ટૅકસથી બચાવવા માટે કેટલાંક રોકાણ સાધનો પણ ઉપલબ્ધ છે. જયારે કે જીએસટી ગણાય છે પરોક્ષ વેરો, પરંતુ તેનો બોજ સીધેસીધો ગ્રાહકો પર આવે છે. દેશના લાખોપતિ-કરોડપતિ-અબજોપતિઓને પણ જીએસટીનો એ જ દર લાગે છે, જે સામાન્ય માનવીને લાગે છે. એ ખરું કે જીએસટીમાં પણ કરચોરી મોટેપાયે થતી રહી છે, આ ડામવાના પ્રયાસ સરકારે સધન બનાવવા જોઈએ. જીએસટીનાં માળખામાં પાંચ વરસ બાદ પણ એક યા બીજી સમસ્યા ઊભી થતી રહી છે.
કેન્દ્ર અને રાજયો વચ્ચે પણ હજી જીએસટી મામલે કેટલીક બાબતોમાં
મતભેદો ઊભા છે. તેમાં વળી જીએસટી કાઉન્સિલની ભલામણો કેન્દ્ર અને
રાજયોને બંધનકર્તા નથી એવા સુપ્રીમ કોર્ટના આદેશથી મુશ્કેલી અથવા
અનિશ્ર્ચિતતા સર્જાઈ શકે છે. ત્યાં વળી કેટલીક ખાધ ચીજો પર જીએસટીના દર વધારાનો તીવ્ર વિરોધનો માહોલ સર્જાવા લાગ્યો છે. અલબત્ત, સરકારે આનો કોઈ માર્ગ ચોકકસ કાઢવો પડશે એવી આશા રાખીએ.
કર માળખાનું રેશનલાઈઝેશન આવશ્યક
ભારત જેવા વિશાળ વસ્તી અને વૈવિધ્ય ધરાવતા દેશમાં જીએસટી જેવા કરમાળખાનો અમલ સરળ નહીં હોવાથી તેને પાંચ વરસ ઓછાં પડે, જોકે હવેના સમયમાં આ વિષય વહેલીતકે તેનું સુતાર્કિકરણ થાય એ જરૂરી છે. જીએસટી રેટના ફેરફાર વાજબી, ન્યાયી અને વ્યવહારું હોવા જોઈએ, જે કર ચુકવણીના પાલનને પ્રોત્સાહન આપે. આ સાથે સરકારે આ વન ક્ધટ્રી વન ટૅકસના સુત્રને સફળ બનાવવા માળખાંકીય સુધારા માટે જોર આપવું જોઈએ. જીએસટીના માર્ગે રેવન્યૂ વધારવા સરકારે ડેટા, ટૅકનોલૉજી અને આર્ટિફિસીયલ ઈન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. સરળ જીએસટી સરકારની આવકનો સરળ અને મજબુત માર્ગ બન્યો હોવાની બાબત દેશના હિતમાં ચોકકસ ગણાય, પણ સામાન્ય ગ્રાહકો પર વધતા બોજનું શું? કરવેરાના માળખામાં સુધારાના એવા માર્ગ પણ સરકારે વિચારવા જોઈએ, જેનાથી તેની આવક વધે, પણ સામાન્ય પ્રજાનો બોજ ન વધે. જીએસટીના પોર્ટલની સમસ્યા, ગુંચવણો, વિવિધ રેટસ, રાજયો-રાજયો વચ્ચેના ફરક, વિવાદ વગેરે સહિત જીએસટીને જે રીતે નવી-નવી ચીજો-સેવાઓ પર લાગુ કરાઈ રહ્યો છે, તેના દર વધારાઇ રહ્યા છે, તેને જોતા એવો પણ વ્યંગ થાય છે કે ભવિષ્યમાં માત્ર નાનું સરખું નેગેટિવ લિસ્ટ જ રહી જશે, જેના પર જીએસટી નહીં હોય તેનું. જીએસટીની જાળ વ્યાપક થતી જતી હોવાનો ભય વધી ગયો છે. ખરેખર તો આ ગુડસ ઍન્ડ સર્વિસ ટૅકસ (જીએસટી) ગુડ અને સિમ્પલ બનવો જોઈએ, એ બનવામાં વધુ સમય જઈ રહ્યો છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.