ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHEB) દ્વારા ધો.10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષાઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ દ્વરા પણ પરિણામ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ધો.10 નું કુલ પરિણામ 64.62 ટકા જાહેર થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં નીચું રહ્યું છે. ગત વર્ષે 65.18% પરિણામ આવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. ઉપરાંત તેમણે પાસ ન થઇ શકેલા વિદ્યાર્થીઓને નિરાશ થયા વગર આગળ વધવાની પ્રેરણા આપી હતી.
જાહેર થયેલા પરિણામના આંકડા મુજબ સૌથી વધુ પરિણામ સુરત જીલ્લાનું આવ્યું છે, સુરત જીલ્લાના 76.45 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જયારે સૌથી ઓછુ પરિણામ દાહોદ જીલ્લાનું 40.75 ટકા આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર રહ્યું છે જ્યાંના માત્ર 11.94 ટકા વિદ્યાર્થીઓ જ પરીક્ષા પાસ કરી શક્ય છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 છે ત્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 157 છે, એટલે કે 157 શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થઇ શક્યો નથી. 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા 1084 છે.
માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 7,41,411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,34,898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 4,74,893 પરીક્ષાર્થીઓ પઉતીર્ણ થયા છે જેથી નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે.