CSMT- કર્જત Via પનવેલ! કોરિડોર તૈયાર થશે તો ટ્રાવેલિંગ ટાઈમમાં અડધો કલાક બચશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ડબલ લાઈન માટે જમીન ફાળવવા વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈનમાં CSMTથી (વાયા કલ્યાણ) કર્જત વચ્ચે લોકલ ટ્રેનને અઢી કલાકનો સમય લાગે છે, પરંતુ હાર્બર લાઈનમાં CSMTથી (વાયા પનવેલ વચ્ચે ડબલ લાઈનનું નિર્માણ) કર્જતનો કોરિડોર તૈયાર કરવાને કારણે અડધો કલાકનો સમય લાગશે. રૂપિયા ૨,૭૮૩ કરોડના પ્રોજેક્ટ માટે જગ્યા ફાળવવા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

CSMTથી (વાયા પનવેલ) કર્જત વચ્ચે ડબલ લાઈનનું નિર્માણ કરવા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જે પ્રોજેક્ટનું કામકાજ એમઆરવીસી (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન) દ્વારા પૂરું કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલના તબક્કે પનવેલથી કર્જત વચ્ચે સિંગલ લાઈન છે, જ્યાંથી મોટા ભાગે ગૂડ્સ ટ્રેન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને દોડાવાય છે, પરંતુ નવી લાઈન તૈયાર થવાને કારણે સબર્બનની ટ્રેનો માટે નવો કોરિડોર મળશે, જ્યારે ઈમર્જન્સીમાં તેનો ઉપયોગ થઈ શકશે. નવી લાઈન તૈયાર થવાને કારણે ટ્રાવેલિંગ સમયમાં લગભગ અડધો કલાક બચશે, એમ એમઆરવીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ CSMTથી કર્જત (વાયા કલ્યાણ) વચ્ચે ૧૦૦ કિલોમીટરનું અંતર છે, જ્યારે હાર્બર લાઈનમાં સીએસએમટીથી વાયા પનવેલ કર્જત વચ્ચેનું અંતર લગભગ ૭૮ કિલોમીટરનું અંતર છે. નવી લાઈન નાખવા માટે લગભગ ૧,૮૦૦ જેટલાં વૃક્ષને અસર થશે, પરંતુ તેની સામે ૧:૫ રેશિયામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

વન વિભાગની લગભગ ૯.૧૩ હેક્ટર જેટલી જમીનમાં ડબલ લાઈન નાખવા માટે મંજૂરી મળી ગઈ છે, જેમાંથી ચાર હેક્ટર જમીન સરકારની છે, જ્યારે બાકી ખાનગી જગ્યા છે. વન વિભાગ તરફથી મંજૂરી મળી છે, જેમાં કર્જત, ખાલાપુર અને પનવેલ તાલુકાની જમીન છે, જ્યાં લગભગ પંદર ટકા કામકાજ થયું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ૧૩૬ હેક્ટરની જમીનની જરૂર છે, જેમાંથી ૭૦ હેક્ટરની જમીન પર કામકાજ ચાલુ થઈ ગયું છે. એ જ પ્રકારે એમઆરવીસીને અત્યાર સુધીમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ૨૯.૬ કિલોમીટરની લાઈન બનાવવામાં આવશે, જ્યારે હજુ પણ ૧૧ હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પનવેલથી કર્જત વચ્ચે ડબલિંગ કામકાજ માટે ત્રણ ટનલ, બે ફ્લાયઓવર, ૪૪ નાના-મોટા બ્રિજ, ૧૫ રોડઓવર બ્રિજ (આરઓબી) અને સાત મોટા રોડઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટનું કામકાજ ૨૦૨૫ સુધીમાં પૂરું કરવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રસ્તાવિત પ્રોજેક્ટને ૨૦૧૬માં મંજૂરી આપી હતી, પરંતુ જમીન સંપાદન સહિત અન્ય પ્રકારના અવરોધોને કારણે કામકાજ અટકી પડ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના સંબંધિત વિવિધ નિયંત્રણોને કારણે પણ કામકાજ થયું નહોતું, પણ હવે કામકાજ ઝડપથી પાર પાડવાની અપેક્ષા છે. મધ્ય રેલવેમાં અનેક પ્રોજેક્ટ પેન્ડિંગ છે, જે પૈકી પનવેલ-કર્જત વચ્ચે ડબલિંગ નાખવામાં આવે તો ચોક્કસ પ્રવાસીઓને રાહત થઈ શકે છે.

હાલમાં સીએસએમટીથી વાયા કલ્યાણ કર્જત લોકલ ટ્રેન મારફત અઢી કલાક લાગ છે, પરંતુ નવી લાઈન નાખવાથી અડધો કલાક બચશે, જેથી પ્રવાસીઓને ડાયરેક્ટ પ્રવાસ કરવાનું વધુ સુવિધાજનક બનશે, જે રાહતની વાત છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

પ્રસ્તાવિત પ્રોજેક્ટની રૂપરેખા

– પનવેલ-કર્જત વચ્ચે ડબલિંગ લાઈન માટેનું અંતર ૨૯ કિલોમીટર.

– CSMTથી કર્જત (વાયા કલ્યાણ) ૧૦૦ કિલોમીટર.

– CSMTથી કર્જત (વાયા પનવેલ) ૭૮ કિલોમીટર.

– કોરિડોરના સ્ટેશન પનવેલ, ચીકાલે, મોહાપે, ચૌક અને કર્જત.

– પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા ૨,૭૮૩ કરોડ

– પનવેલ-કર્જત વચ્ચે ત્રણ ટનલ, ૨ ફ્લાયઓવર, ૪૪ નાના-મોટા બ્રિજનું નિર્માણ કરાશે.

– ૨૦૨૫માં પ્રોજેક્ટ પૂરો કરવાની અપેક્ષા

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.