નવી દિલ્હી: પ્રાકૃતિક સંસાધનોમાંથી મળતી ઊર્જા ગ્રીન એનર્જી તરીકે ઓળખાય છે. આ ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્ર્વના રોકાણકારોને ગુરુવારે હાકલ કરી હતી. પવન, સૌર અને બાયોગેસથી ભારતમાં ઉત્પન્ન થવાની સંભાવના ધરાવતી ઊર્જા સોનાની ખાણ અથવા તેલના કૂવાથી કમ નથી એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો. ગ્રીન ગ્રોથ તરીકે ઓળખાતા પ્રાકૃતિક સંસાધનોમાંથી મળતી ઊર્જાથી
થઈ શકતા વિકાસ સંદર્ભે ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય અંદાજપત્રમાં કરવામાં આવેલી વિવિધ જાહેરાત સંદર્ભમાં આયોજિત વેબિનાર સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે બજેટ એ માત્ર એક તક નથી, પણ સાથે સાથે એમાં ભાવિની સુરક્ષાની ખાતરી પણ રહેલી છે. અન્ય મુખ્ય અર્થતંત્ર સાથે રિન્યુએબલ એનર્જીનો વિસ્તાર કરવામાં ૨૦૧૪થી ભારતએ ઝડપથી પ્રગતિ કરી છે. ગ્રીન એનર્જીમાં ભારત મહત્ત્વની ભૂમિકા અદા કરશે અને હું રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું.’ (પીટીઆઈ)