મુંબઈના ગ્રાન્ટ રોડ (ઈસ્ટ) વિસ્તારમાં શુક્રવારે એક ૫૪ વર્ષીય પુરુષે પોતાના માળામાંના કેટલાંક લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો જેમાં ત્રણનાં મોત થયાં હતાં. ઉપરની તસ્વીરોમાં ઘટનાસ્થળે તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ, ઈમારત અને અંતિમ તસવીરમાં આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહેલા પોલીસ જવાનો. (અમય ખરાડે)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલી પાર્વતી મેન્શન ઇમારતમાં શુક્રવારે ધોળેદહાડે પાંચ જણ પર ચાકુથી હુમલો કરનારા કચ્છી વેપારી ચેતન રતનસિંહ ગાલાને લાગતું હતું કે પડોશીઓએ કરેલી કાનભંભેરણીને કારણે બે મહિના પહેલા પત્ની સંતાનો સાથે તેને છોડીને જતી રહી હતી. આની પાછળ પડોશીઓ જ જવાબદાર હોવાનું તેનું લાગતું હતું. આથી પરિવારથી વિખૂટા પડવાનો રોષ ઠાલવવા ચેતન ગાલા ઘાતકી બન્યો હતો.
વી.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં ચેતન ગાલા દુકાન ધરાવે છે, જે ભાડા પર આપવામાં આવી છે. ચેતન ગાલા મોટા ભાગે ઘરે રહેતો હોવાથી આ બાબતને લઇ પત્ની સાથે તેની બોલાચાલી થતી હતી. ચેતનની પત્ની તેની બે પુત્રી કિંજલ અને પ્રેરણા તથા પુત્ર દીપેન સાથે બે મહિના પહેલા ઘર છોડીને નજીકમાં આવેલી પન્નાલાલ ટેરેસ ઇમારતમાં રહેવા લાગી હતી. આથી ચેતન બે મહિનાથી ઘરમાં એકલો જ રહેતો હતો.
પરિવાર જતો રહ્યા બાદ ચેતન ગાલા મેન્ટલી ડિસ્ટર્બ રહેતો હતો. શુક્રવારે ચેતનની પુત્રી ટિફિન આપવા માટે આવી હતી
અને ચેતને તેના પુત્ર સાથે મોબાઇલ પર વાત પણ કરી હતી. ચેતન બપોરે અચાનક ચાકુ લઇને ઘરની બહાર આવ્યો હતો. એ સમયે પડોશમાં રહેતાં જયેન્દ્ર મિસ્ત્રી અને તેમની પત્ની ઇલા બહાર ઊભાં હતાં. ચેતને પ્રથમ જયેન્દ્ર અને ઇલા પર ચાકુથી હુમલો કર્યો હતો. એ સમયે પેસેજમાં પ્રકાશ વાઘમારે સૂતો હતો. ચેતને બાદમાં તેના પર પણ હુમલો કર્યો હતો, જેમાં તેના પેટમાં ઇજા થઇ હતી.
દરમિયાન બૂમાબૂમ સાંભળીને સ્નેહલ બ્રહ્મભટ અને તેની પુત્રી જિનલ બીજા માળે દોડી ગઇ હતી. બંનેને જોઇને ચેતને તેમના પર પણ ચાકુ હુલાવ્યું હતું.
સ્નેહલની મોટી પુત્રી દેવાંશી પણ ઉપર આવી હતી, પણ તે નીચે ભાગી છૂટતા બચી ગઇ હતી. ચેતન ચાકુ લઇને નીચે આવી રહ્યો હતો, પણ ત્યાંના રહેવાસીઓ તેને મારવા માટે દોડી જતાં તે પાછો બીજા માળે દોડી ગયો હતો અને તેણે ઘરમાં જઇને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે નાયર તથા ખાનગી હોસ્પિટલમાં મોકલી દીધા હતા. પોલીસે બાદમાં બીજા માળે જઇને ચેતન ગાલાને ઘરનો દરવાજો ખોલવાનું કહ્યું હતું, પણ તે દરવાજો ખોલી રહ્યો નહોતો. પોલીસે તેને ડરાવ્યા-ધમકાવ્યા બાદ તેણે દરવાજો ખોલ્યો હતો. ચેતનને તાબામાં લઇને તેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પહેલા માળે રહેતી અંજુ પવારે જણાવ્યું હતું કે સ્નેહલ બ્રહ્મભટના પુત્ર જયદેવનો ચાર દિવસ પહેલા જ જન્મદિવસ હતો. ચેતન ગાલાએ કરેલા હુમલામાં જેનિલનું મોત થયું હતું, જ્યારે સ્નેહલની હાલત નાજુક છે. જેનિલ દક્ષિણ મુંબઈના કોલેજમાં સાયન્સની સ્ટુડન્ટ હતી. હુમલામાં ઘવાયેલો પ્રકાશ વાઘમારે બે મહિનાથી ચેતન ગાલાને ત્યાં ઘરકામ કરતો હતો. જોકે તેણે તાજેતરમાં કામ છોડી દીધું હતું, એમ પડોશીઓએ જણાવ્યું હતું.