ખેલકૂદમાં દાદીમાની દાદાગીરી

લાડકી

પ્રાસંગિક-હેન્રી શાસ્ત્રી

૯૪ વર્ષનાં ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતી ‘હૈયામાં જો હોય હામ તો કામ થાય તમામ’ની ભાવનાને યથાર્થ ઠેરવી છે

૧૧ જુલાઈની સવારે નિયમ પ્રમાણે સૂર્યોદય થયો, પણ એ દિવસે સૂર્યનાં કિરણો વધુ તેજસ્વી લાગી રહ્યાં હતાં. અલબત્ત, કારણ પણ એવું જ હતું. સોશિયલ મીડિયા પર ૯૪ વર્ષનાં દાદી ભગવાની દેવી ડાગરનો જયજયકાર થઈ રહ્યો હતો. જે ઉંમરે મોટા ભાગની મહિલાઓ હાથમાં માળા ને કાનમાં ઈશ્ર્વરના સાદની રાહ જોતી બેઠી હોય એ ૯૪ વર્ષની ઉંમરે હરિયાણાનાં ભગવાની દેવીએ ‘બુઢ્ઢી હોગી તેરી માં’નો આલાપ તારસ્વરે ગાઈ ૧૦૦ મીટર સ્પ્રિન્ટ રેસ (માઈલથી ચોથા ભાગનું અંતર ઝડપથી દોડી પૂરું કરવાની સ્પર્ધા) ૨૪.૭૪ સેકંડમાં જીતી લઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. ઈન્ટરનેટના યુગમાં આ બાતમી ઘડીના છઠ્ઠા ભાગમાં ફરી વળી અને સોશિયલ મીડિયામાં દાદીમાની આ દાદાગીરીને લોકો સલામ અને વંદન કરવા લાગ્યા. એક મિનિટ. દાદીમાને એક સુવર્ણ ચંદ્રકથી જાણે કે સંતોષ ન થયો હોય એમ અન્ય સ્પર્ધામાં બે મેડલ (બ્રોન્ઝ અને કાંસ્ય ચંદ્રક) મેળવી ફિનલેન્ડના ટેમ્પર શહેરમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ઈન્ડિયન જર્સી પહેરેલાં દાદીમાની તિરંગા સાથેની તસવીર ગૌરવ વધારનારી તો છે જ, પણ સાથે સાથે ઉમંગ અને ઉત્સાહનો ગુણાકાર હોય તો ઉંમર ગઈ તેલ લેવા એ ભાવનાનું પણ સમર્થન કરે છે. એક ખાસ નોંધવાની વાત એ છે કે ૯૦થી ૯૫ વર્ષની મહિલાના ગ્રુપમાં ૧૦૦ વર્ષનો પ્રમાણિત વર્લ્ડ રેકોર્ડ જાપાનનાં દાદી મિત્સુ મોરિટા (૨૩.૧૫ સેકંડ)ના નામે છે જે તેમણે ૯૦ વર્ષની ઉંમરે સ્વદેશી પરિચિત વાતાવરણ અને આબોહવામાં ક્યોટો શહેરમાં નોંધાવ્યો હતો. ભગવાની દેવીએ ઘરઆંગણે નહીં, વિદેશી ભૂમિ પર માત્ર ૧.૫૯ સેક્ધડનો સમય વધુ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ વાત ખાસ નોંધવી જોઈએ. ૩૫ અને ૩૫થી વધુ ઉંમરનાં પુરુષ અને મહિલા એથ્લિટ માટે વિવિધ વયજૂથમાં ૨૯ જૂનથી ૧૦ જુલાઈ, ૨૦૨૨ દરમિયાન ફિનલેન્ડમાં વિશ્ર્વકક્ષાની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ દ્વારા મોટી ઉંમરના એથ્લિટ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ૧૯૭૫માં કેનેડાના ટોરોન્ટો શહેરમાં પહેલી વાર આ સ્પર્ધા યોજાઈ હતી. અત્યાર સુધીમાં જુદા જુદા દેશનાં ૨૩ શહેરમાં આ ચેમ્પિયનશિપ થઈ ચૂકી છે. ૨૦૧૮ પછી કોવિડની મહામારીને કારણે એ બંધ થઈ હતી
અને આ વર્ષે ફરી ચાલુ કરવામાં આવી છે. ભગવાની દેવીની સફળતાને યુવા બાબત અને ખેલકૂદ મંત્રાલયે પણ બિરદાવી સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મેડલ સાથે તેમની તસવીર મૂકી હતી. દેશના તિરંગા સાથે પોતાના ચંદ્રકો ગર્વથી દર્શાવી રહેલાં દાદીમાની આંખોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી અનન્ય સફળતા મેળવવાનું ગૌરવ છલકાતું હતું.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે દાદીમાની અનન્ય સિદ્ધિ કંઈ પહેલી વાર પ્રેરણાદાયક અને ગૌરવ પ્રદાન કરનાર સાબિત નથી થઈ રહી. અગાઉ પણ ભગવાની દેવીએ જ્વલંત સફળતા મેળવી છે. તેમણે મેળવેલા ચંદ્રકોએ અનેક વડીલોને પ્રેરણા આપી છે. થોડા સમય પહેલાં ચેન્નઈમાં આયોજિત નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં તેમણે ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. આ સિદ્ધિને પગલે તેઓ તાજેતરની ફિનલેન્ડની વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં સહભાગી થવા પાત્ર ઠર્યાં હતાં. નેશનલ માસ્ટર્સમાં મેડલ મેળવ્યા પહેલાં આપણાં દાદીમાએ દિલ્હી સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં પણ ૧૦૦ મીટર દોડ તેમ જ ભાલા ફેંક અને ગોળા ફેંક (જવેલીન થ્રો અને શોટ પુટ)માં ત્રણ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. અન્ય એક જાણવા જેવી વાત એ પણ છે કે દાદીમાના પૌત્ર વિકાસ ડાગર આંતરરાષ્ટ્રીય પેરા એથ્લિટ છે અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચૂક્યો છે. અગાઉ તેણે પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. દાદીમાની જ્વલંત સિદ્ધિને પગલે વિકાસનો જૂનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. બીજી એક નોંધવા જેવી વાત એ છે કે ભગવાની દેવી હરિયાણાનાં એકમાત્ર સિનિયર એથ્લિટ નથી. ગયા મહિને એમનાથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટાં રામબાઈએ વડોદરામાં આયોજિત નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર સ્પર્ધા જીતી નવો વિક્રમ સ્થાપ્યો હતો. રામબાઈ ૪૫.૪૦ સેક્ધડમાં દોડ જીતવામાં સફળ રહ્યાં હતાં. અગાઉનો વિક્રમ ૧૦૧ વર્ષનાં સ્વર્ગસ્થ માન કૌરને નામે હતો જે ૭૪ સેક્ધડનો હતો. આમ માન કૌર કરતાં ઉંમરમાં ૩ વર્ષ મોટાં દાદીમાએ ૧૦૦ મીટરની દોડ ૨૮.૨૦ સેક્ધડ ઓછા સમયમાં પૂરી કરી હતી. દાદીઓનો જયજયકાર.
———————
દૂધ-બાજરાના રોટલાની કમાલ
મોટી ઉંમર સુધી મહિલાનું શરીર હરતુંફરતું રહે અને સ્વાસ્થ્ય જળવાય એ વિદેશમાં અનેક ઠેકાણે સામાન્ય બાબત ગણાય છે, જ્યારે આપણા દેશમાં હવે નવાઈ થઈ પડી છે. ભગવાની દેવી અને રામબાઈ જેવાં દાદીમા શારીરિક સ્વાસ્થ્ય જાળવી ચોથી કે પાંચમી પેઢીને ઉછેરવામાં મદદરૂપ થઈ શકે છે એ માટે તેમની ખોરાકની આદત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. રામબાઈ જે ગામમાં રહે છે ત્યાં તેઓ ટ્રેક સૂટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરી ખેતરોમાં દોડી ટ્રેઈનિંગ પૂરી કરે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રામબાઈએ કહ્યું હતું કે પોતે રોજ અડધો લિટર દૂધ દિવસમાં બે વખત પીએ છે અને ખોરાકમાં બાજરાનો ઘી ચોપડેલો રોટલો અને થોડા ભાત તેમ જ થોડાં લીલાં શાકભાજી પણ ખાય છે. ૧૯૧૭માં જન્મેલાં રામબાઈએ છેક ૧૦૪ વર્ષની ઉંમરે ૨૦૨૧માં વારાણસીમાં આયોજિત ચેમ્પિયનશિપથી સ્પર્ધાત્મક રેસમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. ગયા વર્ષની આ સ્પર્ધામાં તેઓ મેડલ જીત્યાં હતાં અને પછી ભાગ લેવાનો તેમનો ઉત્સાહ વધતો રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.