સંતરામપુરમાં ભારે વરસાદને કારણે મધરાતે મકાન ધરાશાયી થતાં નિંદ્રાધીન દાદી-પૌત્રીના મોત, દાદા ઇજાગ્રસ્ત

આપણું ગુજરાત

Mahisagar: મહીસાગર જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે સંતરામપુર તાલુકાના કાકરા ડુંગરા વિસ્તારમાં ખેડાપા ગામમાં મકાન ધરાશાયી થતા દાદી અને પૌત્રીનું મોત થયું હતું. દાદાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં 57 વર્ષીય કેદારભાઈ પારગી ગુરુવારે રાત્રે તેમના કચા ઘરમાં પત્ની સવિતાબેન (ઉ.56) અને પૌત્રી સૃષ્ટિ(ઉ.02) સુતા હતા. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. રાત્રે 2 વાગ્યે જયારે તેઓ ભરનિંદ્રામાં હતા ત્યારે અચાનક કાચું મકાન ધરાશાયી થઈ જતા ત્રણેય દટાઈ ગયા હતા. આસપાસના લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગામના લોકોએ દાદા કેદારભાઈને કાટમાળની બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત કેદારભાઈને સારવાર હેતુ સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
દાદી-પૌત્રીનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ખેડાપા ગામ અને કાકરા ડુંગરા વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.