ગુજરાતભરમાં થશે યોગ દિવસની ભવ્ય ઉજવણી, એક સાથે સવા કરોડથી વધુ લોકો કરશે યોગ

આપણું ગુજરાત

આવતીકાલે ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની દુનિયા ભરમાં ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે સમગ્ર ગુજરાતમાં એક સાથે સવા કરોડથી વધુ લોકો યોગ કરશે. આયોજનની તૈયારીઓને લઈને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, ઉપરાંત અધિકારીઓને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જયારે રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું આયોજન અમદવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન ભાગવત કરાડ અને રમત ગમતના રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ૭,૫૦૦થી વધુ લોકો હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ તમામ સમારોહ સ્થળ પર કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના સંસ્કૃતિક, ઐતિહાસિક, પ્રાકૃતિક વારસાના વિવિધ સ્થળો પર યોગ દિવસની ઉજવણી થશે. રાજ્યના રમત ગમત વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ ૭૫ આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવશે.’ જેમાં મોઢેરા સૂર્ય મંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ સહિત ૨૨ પર્યટન સ્થળ, માનગઢ હિલ તથા સાપુતારા હિલ સહિત ૧૭ પ્રાકૃતિક સૌંદર્ય સ્થળ અને સાયન્સ સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદના અદાણી શાંતિગ્રામ, કચ્છના સફેદ રણ, કચ્છનું નાનું રણ, દ્વારકા સ્થિત શિવરાજપુર બીચ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય આઈકોનિક સ્થળ પર યોગ દિવસ સમારોહનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યમાં શાળાઓ, કોલેજો, ITI, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, જેલમાં પણ યોગ દિવસ ઊજવવામાં આવશે. તમામ જીલ્લાના જિલ્લા સ્તરીય સમારોહમાં 3,000 લોકો ભાગ લેશે. તમામ તાલુકા સ્તરના કાર્યક્રમમાં ૫૦૦ લોકો જોડાશે. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧,૧૨,૫૦૦ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ અધ્યાપકો તથા ૨૬૦૦ કોલેજના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ પ્રોફેસર આ યોગ દિવસના સમારોહમાં ભાગ લેશે. રાજ્યની ૨૮૭ ITI, ૧,૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬,૫૦૦ પેટા આરોગ્ય કેન્દ્રમાં ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.