Homeદેશ વિદેશવિદેશોમાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી

વિદેશોમાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી

અમેરિકામાં દિવાળી: પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી અમેરિકાના વૉશિંગ્ટન ખાતે રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં કરવામાં આવી હતી. દીપોત્સવ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને દીપક પ્રગટાવ્યો ત્યારે તેમનાં પત્ની જિલ બાઇડન અને ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હૅરિસ તેમની સાથે હતાં. (તસવીર: પીટીઆઈ)
——–
વૉશિંગ્ટન: અમેરિકા, યુકે, કેનેડા સહિતના વિદેશોમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને આ પ્રસંગે વાઈટ હાઉસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રિસેપ્શન રાખ્યું હતું. જ્યૉર્જ બુશના શાસનકાળ દરમિયાન વાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીનું આ સૌથી મોટું રિસેપ્શન હતું. ૨૦૦ કરતા પણ વધુ જાણીતા ભારતીય અમેરિકનોએ ઈસ્ટ રૂમમાં યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં ભાગ લીધો હતો. અમેરિકાના અનેક સૅનેટરો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. આ એ જ સ્થળ છે જ્યાં અગાઉ ભારત-અમેરિકા વચ્ચે અણુકરાર પર સહી, અમેરિકાના પ્રમુખ બરાક ઑબામા અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વચ્ચેની મુલાકાત સહિત બંને દેશ વચ્ચેના સંબંધ સંબંધિત અનેક સીમાચિહૃનરૂપ કાર્યક્રમોનું આયોજન થયું છે. સિતારવાદક રિષભ શર્મા અને નૃત્યગણના કાર્યક્રમ સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેની સંસદમાં આ વરસે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને હરે કૃષ્ણ મંદિરમાં સાધુ-સંતોએ મંત્રોચ્ચાર કરી શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વૅસ્ટમિનિસ્ટર પેલેસના સૌથી ભવ્ય લેખાતા સ્પીકર હાઉસના સ્ટેટ રૂમમાં સાંજે આ ઉજવણી કરવામાં આવી હતી. સંસદના પરિસરમાં કરવામાં આવેલી દિવાળીની આ પ્રકારની ઉજવણીના કાર્યક્રમને અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ ગણવામાં આવે છે. આ ઉજવણીએ શાસક તેમ જ વિપક્ષના તમામ નેતાઓ, રાજદ્વારીઓ, સમુદાયો અને ઈસ્કોનના પ્રતિનિધિઓને નિકટ લાવી દીધા હતા. આમસભાના સ્પીકર સર લિન્ડસે હૉયલેએ દિવાળીની ઉજવણી કરતા વિશ્ર્વભરના લોકોને શાંતિ અને આનંદની શુભેચ્છા આપી હતી. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular