રાજ્યની શિંદે-ફડણવીસ સરકાર આડેધડ ખર્ચ કરી રહી છે, મહત્ત્વના મુદ્દાની અવગણના
વિપક્ષી એકતા: છગન ભુજબળ, અજિત પવાર, અંબાદાસ દાનવે અને અનિલ પરબ (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના સિનિયર નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે રવિવારે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે આ સરકાર આડેધડ ખર્ચા કરી રહી છે, જ્યારે સામાન્ય માણસો અને ખેડૂતોના મહત્વના મુદ્દાઓ પ્રત્યે અવગણના કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ પત્રકારોને સંબોધતાં તેણે કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમના હસતા ચહેરા દેખાડવા માટે કરોડોનું આંધણ કરી રહી છે, જ્યારે સામાન્ય માણસોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. આને માટે અમે ચ્હા-પાનના આમંત્રણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું હતું કે
ગ્રામીણ ભાગના વિકાસ માટે રાખવામાં આવેલા નાણાંનું વિતરણ થતું નથી અને બીજી તરફ મુખ્ય પ્રધાનના વર્ષા બંગલો પર છેલ્લા ચાર મહિનામાં રૂ. ૨.૩૮ કરોડનું ચા-ભોજનનું બિલ થઈ ગયું છે. સરકાર ચામાં સોનાનો અર્ક નાખે છે કે એવો સવાલ થઈ રહ્યો છે એમ અજિત પવારે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ફુગાવાને કારણે ખેડૂતોના ખર્ચમાં વધારો થયો છે, જ્યારે બીજી તરફ કૃષિ પેદાશોની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આને કારણે ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને રાજ્ય સરકાર તેના પર કોઈ ધ્યાન આપતી નથી.
વિકાસકામમાં રાજકારણ થઈ રહ્યું હોવાને કારણે વિકાસની પ્રક્રિયાને ફટકો પડી રહ્યો છે. બજેટમાં મંજૂર કરવામાં આવેલા કામને સ્ટે આપવામાં આવ્યો છે. એક મહિનામાં વર્ષ પૂરું થવાનું છે ત્યારે જિલ્લા વાર્ષિક યોજનાના કેટલા નાણાં ખર્ચ થયા તેનો હિસાબ આપવો જોઈએ. નાણાં વપરાયા નથી. ભંડોળનું વિતરણ અટકી પડ્યું છે. તેના પર ધ્યાન આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે, એમ પણ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસના નેતાઓ વિપક્ષી પત્રકાર પરિષદમાં હાજર રહ્યા નહોતા કેમ કે રાયપુરમાં કૉંગ્રેસનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે. ત્યાંથી આ બેઠકમા ંફોન દ્વારા હાજરી આપતાં તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. ભાજપની નીતિ ખેડૂત વિરોધી છે અને તેથી જ કૃષિ માલને ટેકાના ભાવ મળતા નથી. ખેતી કરવાનું પરવડતું નથી અને તેને કારણે ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે.