ખોટા સમાચાર અને માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા માધ્યમો સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે 6 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તમામ ચેનલો સામે ફેક ન્યૂઝ બતાવવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તમામ ચેનલો ખોટા સમાચાર અને માહિતી ફેલાવી રહી હતી.
ગયા મહિને સરકારે આવી યુટ્યુબ ચેનલોને બંધ કરવાની વાત કરી હતી, જેમાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. તે સમયે, સરકારે વિવિધ જન કલ્યાણ પહેલ વિશે ખોટા અને સનસનાટીભર્યા દાવા કરવા અને નકલી સમાચાર ફેલાવવા બદલ YouTube ને ત્રણ ચેનલો પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. તે સમયે PIBના ફેક્ટ ચેક યુનિટે ત્રણ ચેનલોને ફેક ન્યૂઝ ફેલાવતી જાહેર કરી હતી. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, તે સમયે સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબને ત્રણ ચેનલો આજતક લાઈવ, ન્યૂઝ હેડલાઈન્સ અને સરકારી અપડેટ્સને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે સ્પષ્ટતા કરી હતી કે આજતક લાઈવ ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે સંકળાયેલું નથી.
ન્યૂઝ હેડલાઇન યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીફ જસ્ટિસના આદેશ મુજબ બેલેટ પેપરથી ચૂંટણી થશે. જે તદ્દન પાયાવિહોણા સમાચાર છે. આ ચેનલના અન્ય એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુપીની 131 સીટો પર ફરીથી ચૂંટણી થશે. જ્યારે આવો કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો નથી. આ પણ તદ્દન ખોટી માહિતી છે. આ સિવાય યુટ્યુબ ચેનલના તેમના અન્ય એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીફ જસ્ટિસે પીએમ મોદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને તેમને દોષિત જાહેર કર્યા છે. જે પણ તદ્દન ખોટી માહિતી છે.