નવી દિલ્હી: સજાતીય લગ્નોને કાનૂની માન્યતા માટેની અરજીઓ સામે કેન્દ્ર સરકારના વિરોધના સંદર્ભમાં કેન્દ્રના કાયદા ખાતાના પ્રધાન કિરણ રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે સજાતીય લગ્નોને માન્યતા સંબંધી અરજીઓ સામે વિરોધ દ્વારા સરકાર નાગરિકોના અંગત જીવન કે વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં દખલ કરતી નથી. લગ્નસંસ્થા નીતિવિષયક મુદ્દો બનતો હોવાથી સરકારનો અભિપ્રાય નોંઘપાત્ર ગણાય.
સંસદ ભવનની બહાર પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને સંબોધતાં કિરણ રિજિજુએ મહત્ત્વની ટિપ્પણી કરી હતી. સજાતીય લગ્નો બાબતે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના વલણ બાબતે એક પત્રકારના સવાલના જવાબમાં કાયદા પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોઈના અંગત જીવન કે વ્યક્તિગત પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ કરતી નથી. તેથી એ બાબતે ગુંચવણ ન હોવી જોઇએ. લગ્નસંસ્થાનો વિષય હોય ત્યારે એ નીતિવિષયક મુદ્દો બને છે.
કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર નાગરિકોના વ્યક્તિ સ્વાતંત્ર્ય કે અંગત પ્રવૃત્તિઓમાં ક્યારેય દખલ કરતી નથી કે તેને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરતી નથી, કોઈના અંગત જીવન પર સવાલો કરતી નથી. બે બાબતોમાં સ્પષ્ટ તફાવત હોવાથી તમે પણ સ્પષ્ટ હોવાં જોઇએ. (એજન્સી)