Homeદેશ વિદેશસરદાર પટેલની જન્મ જયંતીઃ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે કાર્યક્રમોની વણઝાર

સરદાર પટેલની જન્મ જયંતીઃ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે કાર્યક્રમોની વણઝાર

મુંબઇ: લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ તેમની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં કેવડિયામાં એકત્રીસમી ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીનો આરંભ કરાવ્યો છે.

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં છ પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ચોપન ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ત્રેવીસ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં છોત્તેર સભ્યો ભાગ લેશે.

દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ર્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાનથી સાતસો ત્રેવીસ કિલોમીટરની સાઇકલ રેલી કાઢીને કેવડીયા આવી રહ્યા છે.

ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો ૨૭૯૩ કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં એસએસબી, ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ર્ચિમ બંગાળથી ૨૩૪૭ કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે, જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ, ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો ૮૬૩ કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.

ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, તમિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલી શરૂ કરાઇ છે, જે કેવડીયા પહોંચશે અને રેલીના પોલીસ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે. ઉત્તર દિશામાં જમ્મુ-કાશ્મીરથી પોલીસની મોટર સાયકલ રેલી ઉરીથી શરૂ થઇ છે, જે ૨૫૩૬ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની મોટર સાયકલ રેલી સબરૂમથી શરૂ થઈ છે, જે ૩૧૧૮ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. દક્ષિણથી તમિલનાડુ પોલીસની મોટર સાયકલ રેલી ક્ધયાકુમારીથી નીકળી છે, જે ૨૦૮૫ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે અને દેશના પશ્ર્ચિમ ભાગમાં ગુજરાત પોલીસની મોટરસાઇકલ રેલી કચ્છના લખપતથી નીકળી છે, જે ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

રાષ્ટ્રીય એકતા પરેડ બાદ વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાશે. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર ‘એકતા પરેડ’માં ભાગ લેશે.

ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.

RELATED ARTICLES

Most Popular