રાજ્યપાલને હટાવવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક નિવેદન દ્વારા નવો વિવાદ સર્જ્યો હતો. આથી રાજ્યના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યપાલને હટાવવાની માગણી થઈ રહી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે એવું નિવેદન કર્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ તો જૂના જમાનાના આદર્શ હતા. તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે નવા જમાના આદર્શ તો બી. આર. આંબેડકર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી છે.
રાજ્યપાલે આ નિવેદન ભાજપના નેતા નીતિન ગડકરી અને એનસીપીસુપ્રીમો શરદ પવારને ડી. લિટ.ની ઉપાધિ આપવા માટે આયોજિત સમારંભમાં ઔરંગાબાદ ખાત કર્યું હતું.આપહેલાં જ્યારે તમને પુછવામાં આવે કે તમારા આદર્શ કોણ તો જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીના જવાબ મળતા હતા. મહારાષ્ટ્રમાં તમારે બીજે ક્યાંય જોવાની આવશ્યકતા નથી કેમ કે અહીં જ અનેક આદર્શ છે. છત્રપતિ શિવાજી મહારાજ જૂના જમાનાના આદર્શ હતા અને તેની સામે અત્યારે આંબેડકર અને નીતિન ગડકરી છે, એમ તેમણે કહ્યું હતું. રાજ્યપાલના નિવેદન બાદ શરદ પવારની પાર્ટી (એનસીપી)એ શિવાજી મહારાજનું મહત્ત્વ ઘટાડવાનો આરોપ કર્યો છે.
આ પહેલાં પણ રાજ્યપાલ છત્રપતિ શિવાજી મહારાજને મુદ્દે વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. તેમણે એ વખતે એવું નિવેદન કર્યું હતું કે જો સમર્થ રામદાસ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજને કોણ માન આપત.
આવી જ રીતે તેમણે મુંબઈ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ શહેર છોડીને જતા રહેશે તો મુંબઈ પાસે પૈસા નહીં હોય.
એનસીપીના પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ વ્યક્તિ (રાજ્યપાલ)ને બદલવા માટે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેઓ વારંવાર વિવાદ સર્જનારા નિવેદનો કરતા હોય છે. મહારાષ્ટ્રીયનોની લાગણીને દુભવતા તેમના નિવેદનો અંગે ભાજપ કાયમ મૌન રહે છે.
————-
રાજ્યપાલને મહારાષ્ટ્ર બહાર કાઢો: સંભાજીરાજે
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે છત્રપતિ શિવાજી મહારાજના વંશજે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી જૂના થયા એવું કહેનારા રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર કાઢો. તેઓ વારંવાર આવી બડબડ કેમ કરે છે તે જ મને સમજાતું નથી. મારું કહેવું છે કે તેમને મહારાષ્ટ્રની બહાર કાઢો. મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ જોડીને વિનંતી છે કે આવી વ્યક્તિ અમને મહારાષ્ટ્રમાં જોઈતી નથી, એમ સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું હતું.