રાજ્યપાલ ઍક્શન મોડમાં

આમચી મુંબઈ

શિંદે જૂથના વિધાનસભ્યોને સુરક્ષા આપવાનો ડીજીપીને આદેશ

સુરક્ષા: શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના વિધાનસભ્યોના ગ્રુપમાં જોડાયા પછી સીઆરપીએફ દ્વારા તેમના નિવાસસ્થાને સુરક્ષા દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે)

મુંબઈ: રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોનાને માત આપીને રવિવારે રાજભવનમાં આવતાં જ સક્રિય બની ગયા છે. તેમણે મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેને એકનાથ શિંદે જૂથના બધા નેતાઓને સુરક્ષા પૂરી પાડવા માટે જણાવ્યું છે. આથી શિંદે જૂથ ટૂંક સમયમાં મુંબઈ આવવાની શક્યતા છે એવા સંકેત મળ્યા છે.
એકનાથ શિંદે જૂથના બળવાખોર વિધાનસભ્યો સામે શિવસૈનિકો આક્રમક થયા છે. રાજ્યમાં વિવિધ ઠેકાણે વિધાનસભ્યોનાં કાર્યાલય પર હુમલા થઇ રહ્યા છે. આવા સમયે બળવાખોર વિધાનસભ્યોના પરિવારને સુરક્ષા પૂરી પાડવાની માગણી કરવામાં આવી હતી. આથી રાજ્યપાલ કોશિયારીએ મુંબઈના પોલીસ કમિશનર અને ડીજીપીને પત્ર લખીને બળવાખોર વિધાનસભ્યોના પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
શિવસૈનિકો દ્વારા ઠેરઠેર બળવાખોરોના પોસ્ટરો, બેનર્સ ફાડવા, તેમના પૂતળાં બાળવાં, કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ રાજ્ય સરકારે બળવાખોર વિધાનસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લીધી હોવાના આરોપ કરાયા છે. આથી કેન્દ્ર સરકારે બળવાખોર વિધાનસભ્યોને સલામતી પૂરી પાડીને આ વિવાદમાં એન્ટ્રી મારી છે. હવે રાજ્યપાલે પણ પોલીસ કમિશનરને પત્ર લખીને શિંદે જૂથના તમામ નેતાઓને સુરક્ષા પૂરી પાડવાનું જણાવ્યું છે. કોશિયારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પણ પત્ર લખીને ૪૭ વિધાનસભ્યો અને તેમના પરિવારજનોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પૂરા પાડવા જણાવ્યું હોવાથી આ બળવાખોર ૪૭ વિધાનસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર અવરોધ ઊભો કરે એવી આશંકા હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને આ તમામને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.