અડચણમાં મૂકાયેલી મહાવિકાસ આઘાડી સરકારને રાજ્યપાલનો પહેલો ઝટકો, કરોડોના GRની માહિતી માંગી, તપાસની લટકતી તલવાર?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો આજે આઠમો દિવસ છે. એકનાથ શિંદેના જૂથે શિવસેના સાથે બળવાખોરી કર્યા બાદ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. એવામાં 22મી જૂનથી લઇને 24મી જૂન વચ્ચે ઠાકરે સરકારે કરોડો રૂપિયાના સરકારી આદેશ જાહેર કર્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ સરકારી નિર્ણયો સામે સવાલો ઊભા કર્યા છે. ત્રણ દિવસમાં કરોડો રૂપિયાના આટલા જીઆર (government resolution) કેવી રીતે મંજૂર કરવામાં આવ્યા? આ સવાલ ઉપસ્થિત કરીને રાજ્યપાલે ઠાકરે સરકારને વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કહ્યું છે. હવે આ અંગે રાજ્યના મુખ્ય સચિવ શું જવાબ આપે છે તેના પર બધાની નજર છે. દરમિયાન આજે બપોરે શોર્ટ નોટિસમાં રાજ્યના પ્રધાનમંડળની બેઠક બોલાવવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે એકનાથ શિંદે જૂથે કરેલી બળવાખોરી મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આ બેઠકમાં રાજ્યપાલ દ્વારા મુખ્ય સચિવને લખવામાં આવેલા પત્રને લઇને પણ ચર્ચા થઇ શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે 22થી 24 જૂન વચ્ચે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેને લઇને પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખીને દખલ દેવાની અપીલ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.